પોલીસ કર્મીઓ સબજેલના કેદીને પત્નીને મળવા લઈ ગયાં ને કેદી ફરાર
કોર્ટમાં હાજર કર્યા બાદ પરત રીક્ષામાં જતી વેળાં ઈટવાલા પેટ્રોલપંપ પાસે ઉતાર્યો
કેદીને સાંજે સબજેલ પાસે આવી જજે કહીં એએસઆઈએ તેને જવા દીધો
ભરૂચ
ભરૂચ સબજેલના કેદીઓને કોર્ટમાં હાજર કરવા લઈ જવાના હોઈ ભરૂચ હેડ ક્વાટર્સમાંથી કેદીજાપ્તાના કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી હતી.જેમાં ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના છેતરપિંડીના કેસના આરોપીને પોલીસ જાપ્તામાં ભરૂચ કોર્ટમાં લઈ જવાયો હતો. જ્યાંથી પરત ફરતી વેળાં પોલીસકર્મીએ તેને તેની પત્નીને મળવા જવા દઈ સાંજે જેલ પાસે આવી જજે તેમ કહેતાં કેદી ત્યાંથી પત્નીને મળવાને બહાને રફૂચક્કર થઈ ગયો હતો. ઘટનાને પગલે હેડકવાટર્સ પોલીસે બી ડિવિઝન પોલીસ મથકે ફરાર કેદી સહિત કેદીને ભગાડી દઈ ફરજમાં ગંભીર બેદરકારી દાખવવા સબબ બન્ને પોલીસકર્મા વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૪માં છેતરપિંડીનો કેસ નોંધાયો હતો. જેમાં મુળ ભાવનગરના આંકલોલ જકાતનાકા વિસ્તારના વતની અને હાલમાં સુરતના વેલેન્જા ખાતે સહેતાં દશરથ રામજી ધાંધલીયા નામનો આરોપી હોઈ પોલીસે તેને ઝડપી પાડયા બાદ તેને સબજેલમાં ધકેલી દેવાયો હતો. દરમિયાનમાં ભરૂચના ત્રીજા એડી, જયુડી. મેજી.ની કોર્ટમાં કેસને લઈને આરોપી દશરથ ધાંધલીયાને સબજેલમાંથી કોર્ટમાં લઈ જવાના હોઈ ભરૂચ હેડકવાટર્સ ખાતે કેદી જાપ્તાના માણસો નક્કી કરાયાં હતાં. જેમાં દહેજ પોલીસ સ્ટેશનના એએસઆઈ ભુપેન્દ્રસિંહ ગંભીરસિંહ તેમજ અંકલેશ્વર જીઆઈડીસીના કોન્સ્ટેબલ યોગેશ રાજુભાને કેદી જાપ્તા માટે ફરજ સોંપવામાં આવી હતી. દરમિયાનમાં બીજા દિવસે રાત્રીના સમયે ઉહાપો થયો હતો કે, કોર્ટનો દશરથ ધાંધલિયા નામનો એક કેદી જેલમાં પરત જમા થયેલ નથી. જેથી તેમણે તપાસ કરતાં કેદીજાપ્તો લઈ જનાર એએસઆઈ ભુપેન્દ્રસિંહએ જણાવ્યું હતું કે, તેઓ તેમજ પોકો યોગેશસિંહને કોર્ટ તરફથી આરોપીને ભરૂચ સબજેલ લઈ જવા માટે બપોરના સાડાબાર વાગ્યાના અસ્સામાં કબજો મળ્યો હતો.
જે બાદ તેઓ કોર્ટની બહાર નિકળતાં જ તેમણે પોકો યોગેશસિંહ રાજુભાને તેના ઘરે જવા મોકલી આપ્યો હતો. બાદમાં આરોપીને રીક્ષામાં બેસાડી સબજેલ જવા માટે નિકળ્યો હતો. દરમિયાનમાં ઈટવાલા પેટ્રોલપંપ પર આવતાં આરોપી દશરથને તેની પત્નીને મળવા માટે મોકલી આપ્યો હતો. અને સાંજે પાંચ વાગ્યે સબજેલ પાસે આવી જવા જણાવ્યું હતું જોકે, તે પરત આવ્યો ન હતો. જેથી તે ભાગી ગયો હોવાનું જણાઈ આવ્યું હતું. આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. બનાવને પગલે પોલીસ હેડ ક્વાટર્સના અધિકારીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરાર આરોપી તેમજ બન્ને પોલીસ કર્મીઓ સામે ફરજમાં બેદરકારી સબબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ પરી છે.
બોગસ એકાઉન્ટ બનાવી રુપિયાની હેરાફેરી કરવાના કેસમાં ઝડપાયો હતો ઝડપાયેલો દશરથ અને તેના સાગરિતો તેમના પરીચિતો અને તેમના પણ પરીચિતોને ઓળખિતાને ત્યાં બેન્ક એકાઉન્ટ ખોલશો તો ૧૦ હજાર મળશે તેવી લાલચ આપી તેમના એકાઉન્ટ ખોલાવ્યાં હતાં. જે બાદ તેમાં એડ્રેસ, મોબાઈલ નંબર સહિતની વિગતો ખોટી નાંખી તે એકાઉન્ટના એટીએમ કાર્ડ, પાસબુક મેળવી તે એકાઉન્ટનો ઉપયોગ રુપિયાની હેરાફેરી માટે કરતા હતાં.
