સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુનો નોંધી તપાસ શરૂ કરી
ભરૂચ.
ભરૂચના નંદેલાવ મહુલી સર્કલ પાસે આવેલાં ગણેશકુંજમાં રહેતાં અમિત નાનાજી રામટેકે વિલાયતની આદિત્ય બિરલા ગ્રાસિમ લિમીટેડ કંપનીમાં મેન્ટેનન્સ વિભાગમાં આસિસ્ટન્ટ મનેજર તરીકે છેલ્લા એક વર્ષથી નોકરી કરે છે. ગત ૧૭મી સપ્ટેમ્બરના રોજ તેમને ટેલિગ્રામ મેસેજ આવ્યો હતો, જેમાં ઘર બેઠાં ઓનગાઈન વર્ક કરી કમિશન કમાવવાનું જણાવ્યું હતું. જેમાં ગાયત્રી લક્ષ્મી નામના યુઝરે તેમની સાથે ફોન પર વાતચિત કરી તેમને ટાટા ગ્રુપમાંથી વાત કરતી હોવાનું જણાવી તેમનું ઓનલાઈન એકાઉન્ટ બનાવી આપ્યું હતું. તેમાં ટાટા ક્લિક ફેશન નામની ઓનલાઈન સ્ટોરની વેબ સાઈટ હતી.
જેમાં તેમને ઓનલાઈન ખરીદી કરવા માટે તેમની પાસે ડેમો કરાવ્યો હતો. તેના બદલામાં તેમના ખાતામાં ૧ હજાર રૂપિયા જમા થયાં હતાં. જેથી તેમને વિશ્વાસ બેસતાં તેમણે અન્ય એક લિંક મોકલી તેમાં જોડાવવા કહ્યું હતું. જેમાં જોડાયેલાં અન્ય સભ્યો નાનું રોકાણ કરી મોટું કમિશન મેળવતાં હોવાનું જણાવી તેઓ દ્વારા મોટી રકમ વિડ્રો કરવામાં આવી હોવાના સ્કિન શોટ પણ મુક્તાં હોઈ તેમને તેઓ પર વિશ્વાસ બેસતાં તેમણે તબક્કાવાર રીતે અલગ અલગ સમયે અલગ અલગ એકાઉન્ટમાં કુલ ૬.૭૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં. જેની સામે તેમને કુલ ૨૯,૨૦૦ રૂપિયા પરત મળ્યા હતાં. જ્યારે ૬.૪૦ લાખની તેમની સાથે ઠગાઈ થઈ હતી. ઘટનાને પગલે તેમણે ભરૂચ સાયબર ક્રાઈમમાં તમામ હકિકત જણાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
