ભરૂચ તાલુકાના વાંસી સ્થિત હઝરત છાંગુશા પીર બાવાની દરગાહ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. ઇસ્લામીક કેલેન્ડર મુજબ જમાદીઉલ અવ્વલના ત્રીજા ચાંદે સંદલ શરીફની વિધિ દરગાહ ખાતે અદા કરવામાં આવે છે, જેમાં તમામ ધર્મના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.વાંસી ગામના રાજા તરીકે ઓળખાતા હઝરત છાંગુશા પીર બાવાનો સંદલ ખાદીમ ગુલામ બાપુના નિવાસસ્થાનેથી નીકળ્યો હતો. આ પ્રસંગે આમોદના સલીમુલ્લાહ રીફાઈ ગ્રુપ તેમજ ગુલામ બાદશાહ અને અલમાસ બાદશાહના ગ્રુપ દ્વારા નોબત અને કવ્વાલીની ગુંજ સાથે આખું ગામ ભક્તિભાવથી ગૂંજી ઉઠ્યું હતું.
સંદલનો જુલૂસ આખા ગામમાં ફર્યા બાદ દરગાહ ખાતે પહોંચ્યો હતો, જ્યાં અસરની નમાજ બાદ સંદલ શરીફની વિધિ પૂર્ણ કરવામાં આવી. પ્રસાદી તરીકે નિયાઝ વહેંચવામાં આવી હતી અને દેશમાં અમન, શાંતિ તથા ભાઈચારાની દુઆઓ કરવામાં આવી હતી.ઉજવણી દરમ્યાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ટ્રસ્ટી મંડળે પધારેલ તમામ મહેમાનો અને શ્રદ્ધાળુઓનો આભાર વ્યક્ત કર્યો હતો…
:- યાકુબ પટેલ..પાલેજ…
