કામ પુર્ણ થયાંના સર્ટીફિકેટ બાદ કામ માટે રેતી-કપચી આવ્યાના બીલ મુકાયાંની ફરિયાદ થઈ હતી
। ભરૂચ ।
જંબુસર તાલુકાના દેવલા ગામે ગ્રામ પંચાયતના મહિલા સરપંચ તેમજ તલાટી આણી મંડળીએ નવી બોડીની પહેલી જ બે મિટીંગમાં કુલ ૨૩.૭૦ લાખના ખોટા બીલો મંજૂર કરાવ્યાના આક્ષેપ સાથે ગામના જ જાગૃત નાગરીક ઈમરાન અહમદ પટેલે ૧૯મી જાન્યુઆરી ૨૦૨૪ અને ૨૮મી ઓક્ટોબર ૨૦૨૪ના રોજ જિલ્લા પંચાયતમાં ફરિયાદ કરી હતી. જેમાં ટીડીઓને તપાસ સોંપવામાં આવી હતી.
ઉપરાંત ડીડીઓ કચેરીમાંથી પણ મહિલા સરપંચને બે વાર કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. દરમિયાનમાં મામલાની સુનાવણી પણ રાખવામાં આવતી હતી. ત્યારે સમગ્ર પ્રક્રિયા દરમિયાનમાં તમામ પાસાઓને તપાસવામાં આવ્યાં હતાં. જે બાદ સંલગ્ન પુરાવા અને રિપોર્ટને ધ્યાનમાં લેવામાં આવ્યાં હતાં, જેમાં ૧૫૦૦થી વધુની રકમ ચેકથી ચુકવવાને બદલે રોકડ ચુકવાઈ હતી. માલ ખરીદી ભાવપત્રકો મેળવીને કરવાની હોવા છતાં તેમ થયું નથી. સરપંચે ચાર્જ પહેલાના બીલોના ખર્ચના વાઉચર પર સહીઓ કરેલી છે. ઉપરાંત ભંગારની હરાજી કર્યા વીના જ ભંગારનો નિકાલ કરાયો હતો. તે સહિતની અનેક ગેરરીતિને લઈની તપાસ થયે આખરે ડીડીઓ યોગેશ કાપસેએ દેવલા ગામના મહિલા સરપંચ રેહાનાબાનું અબ્દુલસમદ પટેલને કસુરવાર ઠેરવી તેમને સરપંચ પદેથી દૂર કરવાનો હુકમ કર્યો છે. ઉપરાંત તેમના હસ્તકનો ચાર્જ હાલમાં ઉપસરપંચને સોંપવામાં આવે તેવો આદેશ તેમણે કર્યો છે.
