સુરત અને ગાંધીનગર સ્કવોર્ડની ટીમો પણ ખાસ ઝૂંબેશમાં સાથે જોડાયાં
ભરૂચ.
ભરૂચ જિલ્લામાં આવેલી અલગ અલગ ખનીજની ક્વોરીઓ તેમજ રેતીની લિઝો પરથી કેટલાંક લોકો બિનઅધિકૃત રીતે ખનિજ-રેતીનું વહન કરનારાઓ પર ભુસ્તર વિભાગે તવાઇ કરી છે. જિલ્લામાં અલગ અલગ સ્થળે ટીમોએ વોચ ગોઠવી છેલ્લાં 24 કલાકમાં જ કુલ 3.30 કરોડની મત્તાના ડમ્પર-ટ્રક જપ્ત કરી વાહન માલિકોને 33.99 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ભરૂચ શહેર જિલ્લામાં ગેરકાયદે રેતી-ખનિજ વહન કરવામાં આવતું હોવાની બૂમો છાસવારે ઉઠતી રહે છે. ત્યારે ભુસ્તર વિભાગ દ્વારા રેતી-ખનિજ માફિયાઓને સબક શિખવાડવા ખાસ ઝૂંબેશ હાથ ધરી છે. ભરૂચ ખાણ ખનિજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી નિકુલ દેસાઇ તેમજ તેમની ટીમ સહિત ગાંધીનગર અને સુરતની ફ્લાઇઁગ સ્કવોર્ડની ટીમને સાથે રાખી આકસ્મિક ચેકિંગ ઝૂંબેશ હાથ ધરી હતી. ગઇકાલે 19મી નવેમ્બરની સાંજથી ગુરુવારે સાંજ સુધીમાં જિલ઼લાના અલગ અલગ સ્થળે જેમાં પાણેથા-ઉમલ્લા રોડ, રાજપારડી-ઝઘડિયા રોડ તેમજ અંક્લેશ્વર વિસ્તારમાં ટીમો તૈનાથ થઇ હતી. તેમણે આકસ્મિક ચેકિંગ વેળાં ગેરકાયદે રીતે સાદી રેતી, હાર્ડ મુરમ, બ્લેકટ્રેપ ખનીજનું વહન કરતાં કુલ 18 વાહનો મળી કુલ 3.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભુસ્તર વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ખાસ ઝૂંબેશ હેઠળ ઓચિંતુ ચેકિંગ કરી ગેરકાયદે રીતે ખનીજ-રેતીનું વહન કરનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ ભુસ્તર શાસ્ત્રી નિકુલ દેસાઇએ જણાવ્યું હતું.
અંક્લેશ્વરમાં ગેરકાયદે ખનનનો કારસો ઝડપાયો ખાણ ખનિજ વિભાગની ટીમે તાજેતરમાં 17મી તારીખે જ અંકલેશ્વરના કાંસિયા ગામે બિનઅધિકૃત રીતે ખનિજ ખનન તેમજ વહન કરવાનો કારસો ઝડપી પાડ્યો હતો. ટીમે સ્થળ પરથી કુલ 1.50 કરોડની મત્તાના 5 વાહનો સીઝ કરી વાહન માલિકોને કુલ 7.45 લાખનો દંડ કર્યો હતો.
કરજણ ગામે માટી ચોરીનું કૌભાંડ પકડાયું ભરૂચ તાલુકામાં આવેલા કરજણ ગામે ગેરકાયદે માટી ખનન થતી હોવાની ફરિયાદ મળી હતી. જેના પગલે ભુસ્તર વિભાગની ટીમે સ્થળ પર પહોઁચી તપાસ કરતાં ત્યાં સાદી માટીનું ખનન કરવાનો કારસો ઝડપાયો હતો. ટીમે સ્થળ પરથી એક ડમ્પર-એક લોડર મશીન મળી કુલ 70 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. તેમજ કેટલાં પ્રમાણમાં ખનન થયું છે તે તપાસવા માપણી શરૂ કરી હતી.
