છેલ્લાં 15 વર્ષના આંકડામા જોઇએ તો પાંચ વર્ષ્ પહેલા તાપમાન 18-19 ડિગ્રી રહેતું હતુ
નવેમ્બર મહિનામાં સામાન્ય રીતે અંતિમ 15 દિવસમાં ઠંડકની અસર વધે છે
ભરૂચ.
ભરૂચ શહેર જિલ્લામાં નવેમ્બર મહિનાના તાપમાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. નવેમ્બર મહિનાના છેલ્લાં 15 વર્ષના આંકડા જોઇએ તો નવેમ્બરમાં સામાન્ય રીતે 16થી 18 ડિગ્રી સુધી તાપમાન ગગડી જતું હતું. જોકે, છેલ્લાં 5 વર્ષમાં તે વર્ષ 2022ને અને હાલના તાપમાનને બાદ કરતાં વધીને 20 ડિગ્રીએ પહોંચી ગયું છે.
ભરૂચ શહેર જિલ્લામાં ઠંડીનો અનુભવાઇ રહ્યો છે. શનિવારે રાત્રે તાપમાન ઘટી જતાં રાત્રિનું તાપમાન 17 ડીગ્રી નોંધાયું હતું જેના પગલે લોકોએ ઠંડીનો ભારે ચમકારો અનુભવ્યો હતો. શિયાળાની ઠંડીનો પ્રારંભ થતાં લોકોએ ગરમ વસ્ત્રો અને તાપણાઓનો સહારો લીધો હતો. ઠંડીના ચમકારાને કારણે જનજીવન પર અસર જોવા મળી હતી. નોકરી ધંધા અર્થે જતાં દિવસભર ગરમ વસ્ત્રોનો સહારો લઇ રહ્યાં છે. છેલ્લા 15 વર્ષના આંકડા જોઇએ તો છેલ્લા 5 વર્ષથી નવેમ્બરમાં ઠંડીનો પારો 17થી 20 ડિગ્રી વચ્ચે નોંધાઇ રહ્યો છે. જોકે, તે પહેલાના 10 વર્ષ નવેમ્બરમાં પારો ગગડીને 16થી 18 વચ્ચે નોંધાતું હતું. જેના પગલે ભરૂચ જિલ્લામાં ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું હોવાનું લાગી રહ્યું છે. તાપમાનમાં આવી રહેલાં પરિવર્તન પાછળનું કારણ ગ્લોબલ વોર્મિંગ હોવાનું તજજ્ઞો જણાવી રહ્યાં છે. જોકે, સાથે સાથે ભરૂચ જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતોના પ્રદુષણને કારણે પણ જિલ્લાના વાતાવરણમાં બદલાવ આવી રહ્યો હોવાનો આક્ષેપ પર્યાવરણવાદીઓ કરી રહ્યાં છે.
વર્ષની એનર્જી એકઠી કરવા માટે શિયાળાની ઋતુમાં કસરતનો એક સહારો નવેમ્બર માસની શરૂઆતથી જ શિયાળો પોતાનું સામ્રાજ્ય જમાવી રહ્યો છે. પખવાડિયામાં જ પારો 18થી 17 ડિગ્રી કરતાં નીચો જતાં સવારનાં સમયે ધુમ્મસનું પ્રમાણ પણ વધી ગયુ છે. વહેલી સવારે માર્ગો ઉપર મોર્નિંગ વોક માટે નિકળતા શહેરીજનો પણ સમયમાં ફેરફાર કરી મોડા મોડા ઘરમાંથી નીકળી રહ્યા છે. વર્ષભરની એનર્જી એકઠી કરી લેવા જિલ્લાવાસીઓ ભરપુર કસરતનો પણ લાભ ઉઠાવી રહ્યા છે.
ઘરવિહોણા-ફૂટ પાથની ઉપર રહેતા પરિવારોની દયનીય સ્થિતિ જિલ્લામાં આજેય કેટલાંય પરિવારો ઘરવિહોણા અને ફુટપાથ ઉપર રહી જીવન ગુજારો કરી રહ્યા છે. અપુરતા વસ્ત્રોને કારણે તેમને ઠંડી સામે રક્ષણ મેળવવા માટે અન્ય કોઇ ઉકેલ નહીં રહેતા ઠુંઠવાતા રાત વિતાવી રહ્યા છે. જ્યારે ગ્રામિણ વિસ્તારોમાંથી સ્થળાંતરિત થઇને શહેરી વિસ્તારોમાં રોજગારી અર્થે આવતા શ્રમજીવી પરિવારો પણ દયનીય સ્થિતિમાં મુકાઇ રહ્યા છે.
ઠંડીના કારણે અસ્થમાના દર્દીઓને તકલીફ જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધતાં શરદી ખાંસીની ફરિયાદો વધી છે. અસ્થમા જેવા રોગોનાં દર્દીઓને ઠંડી સતાવી રહી છે. નાની બીમારીઓની ફરિયાદો લઇને આવતા લોકોની હાજરીથી તબીબોને પણ સિઝન ફૂલી ફાલી છે. જેથી તબીબોને જાણે તડાકો બોલાઇ રહ્યો છે. મેડિકલ સ્ટોરમાંથી પણ કફ-સીરપનું ધુમ વેચાણ થઇ રહ્યું છે.
ખેડૂતોએ ખેતરોમાં પાકને બચાવવા માટે શું તકેદારી રાખવી જોઇએ તુવેરના પાકમા શીંગોમા દાણા ભરાવાની અવસ્થાએ જમીનમાં ભેજની ખેચ જણાય તો પિયત આપવું. કપાસમા ગુલાબી ઈયળના નિયંત્રણ માટે ખેતરમાં ફરોમેન ટ્રેપ ગોઠવી નર ફૂંદાઓનો નાશ કરવો. પાકની છેલ્લી વિણી બાદ પાકમાં ઘેટાં, બકરા કે ગાયો ઘણ ચરાવી દેવા. શેરડી ઉગાડતા ખેડુતોને સલાહ આપવામાં આવે છે કે ખેતરમાં તેના પાનનું પાળા ઉપર આચ્છાદન કરવાથી સાઠાં વેધક નિયંત્રણ તથા ભેજનો સંગ્રહ કરી શકાય. ઠંડીમા પશુઓ રાત્રે ખુલ્લામાં ન રાખવા નાના વાછરડાને પવનથી રક્ષણ આપવું, ખરવા-મોંવાસાની રસી મુકાવવી.
Advertisement
