આત્મીય હોલથી એબીસી સર્કલ સુધી ત્રિરંગા સાથે યાત્રાળુઓ પદયાત્રામાં જોડાયા
ભરૂચ
દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય ચેતનાના પ્રતિક લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે મુંબઈથી પ્રસ્થાન થયેલી ‘ગોદાવરી પ્રવાહ યાત્રા’આજે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરથી પ્રવેશ કરી ભરૂચના આત્મીય હોલ ખાતે આવી પહોંચી હતી.
યાત્રાના આગમન પ્રસંગે યુવા કાર્યકરોનું પરંપરાગત તિલક કરી દેશભક્તિના સૂરો વચ્ચે યાત્રાળુઓને આવકાર્યા હતા. આ યાત્રામાં દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોના ૩૦૦થી વધુ યુવા કાર્યકરો જોડાયા હતા.
તા.૦૧લી ડિસેમ્બર, સોમવારના રોજ ગોદાવરી પ્રવાહના યાત્રાળુઓ સાથે ભરૂચના ધારાસભ્ય રેમશભાઈ મિસ્ત્રી, જિલ્લાના અગ્રણી પ્રકાશ મોદી, સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને યુવા કાર્યકરો ભરૂચના કોલેજ રોડ પર આત્મીય હોલથી એબીસી સર્કલ સુધી યોજાયેલી ત્રિરંગા પદયાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમ સાથે સરદાર પટેલના આદર્શ વ્યક્તિત્વને યાદ કરતાં યુવાનોમાં રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રનિર્માણની ભાવના મજબૂત બને તે દિશામાં પ્રેરણાદાયી મંથન કરાયું હતું.
