ભરૂચ.
જંબુસર પોલીસ સ્ટેશનના વર્ગ-3ના સશસ્ત્ર પોલીસકર્મી નારણ ફતુભાઈ વસાવા સામે ₹75,000ની લાંચ માંગણીનો ગુનો ભરૂચ એન્ટી કરપ્શન બ્યુરો ગુનો નોંધ્યો છે. એક અરજદારને તપાસમાં હેરાન ન કરવા બદલ આ લાંચની માંગણી કરી હતી. ભરૂચ એસીબી પોલીસે મામલામાં ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
બનાવની વિગતો એવી છે કે, જંબુસર પોલીસ સ્ટેશનમાં નારણ ફતુ વસાવા વર્ગ-3ના સશસ્ત્ર પોલીસકર્મી તરીકે ફરજ બજાવતાં હતાં. દરમિયાનમાં એક શખ્સ સામે અરજી થઇ હતી. જે અરજીની તપાસ તેઓ કરી રહ્યાં હતાં. ત્યારે અરજીના કામે તપાસમાં કાર્યવાહી ન કરવા અને અટકાયતી પગલાં ભરવામાં રાહત આપવા માટે પહેલાં 70 હજાર અને પછી પતાવટ પેટે 5 હજાર એમ કુલ 75 હજારની લાંચ માગી હતી. જેને પગલે અરજદારે લાંચ આપવી ન હોવાથી તેમણે ભરૂચ એસીબીમાં ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ એમ. જે. શિંદેએ મામલામાં ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડવા માટે છટકુ ગોઠવ્યું હતું. લાંચની માંગણીને લઇને જંબુસરમાં આવેલાં ભાટીયા મોબાઇલ નામની દુકાન નજીક મામલતદાર કચેરી કંપાઉન્ડમાં છટકું ગોઠવ્યં હતું.રૂપિયાની લેનદેન થતાં જ એસીબીએ તેને ઝડપી પાડ્યો હતો. આ કેસમાં વડોદરા શહેર ACBના પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે. ચૌહાણ તપાસ કરી રહ્યા છે. સમગ્ર કાર્યવાહી ઇન્ચાર્જ મદદનીશ નિયામક આર.આર. ચૌધરી (ACB, સુરત એકમ)ના સુપરવિઝન હેઠળ ચાલી રહી છે.
