ભરૂચ,
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા તથા મહિલા સશક્તિકરણ, સ્વદેશી વિચારધારા અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા આયોજિત રાજ્યવ્યાપી “સશક્ત નારી મેળા” અંતર્ગત ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે તા.૧૯ થી ૨૧ ડિસેમ્બર દરમિયાન જિલ્લા સ્તરીય ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો શુભારંભ ગુજરાત સરકારના રાજ્યમંત્રી અને ભરૂચ જિલ્લાના સહપ્રભારી મંત્રી સંજયસિંહ મહિડાના હસ્તે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યું હતું કે, “સશક્ત નારી મેળો” મહિલા સશક્તિકરણ, આત્મનિર્ભરતા અને સર્વાંગી વિકાસનું જીવંત પ્રતિબિંબ છે. આ મેળામાં મહિલા ઉદ્યોગ સાહસિકો, સ્વ-સહાય જૂથો, લખપતિ દીદી, ડ્રોન દીદી, મહિલા ખેડૂત અને સહકારી સંસ્થાઓ દ્વારા તૈયાર કરાયેલા સ્વદેશી ઉત્પાદનો આત્મનિર્ભર ભરૂચની ક્ષમતાનો પુરાવો આપે છે. મેળામાં નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન સહિત વિવિધ વિભાગોના સહયોગથી અંદાજે ૧૦૦ જેટલા સ્વદેશી ઉત્પાદન સ્ટોલ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે સ્વ-સહાય જૂથો મારફતે મહિલાઓને રીવોલ્વિંગ ફંડ, બેંક લોન અને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ જેવી આર્થિક સહાય આપવામાં આવી રહી છે, જેના પરિણામે મહિલાઓ આજીવિકા ક્ષેત્રે સ્વાવલંબી બની રહી છે. ભરૂચ જિલ્લામાં NRLM અંતર્ગત હજારો સખી મંડળો અને ગ્રામ સંગઠનોને આર્થિક સહાય અને ધિરાણ આપવામાં આવ્યું છે. તેમજ ડ્રોન દીદી અને લખપતિ દીદી યોજનાઓ દ્વારા મહિલાઓને નવી તકો મળી રહી છે.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જરે નારી શક્તિના યોગદાનને બિરદાવતાં જણાવ્યું હતું કે, મહિલાઓ આર્થિક રીતે પગભર બની રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ ભાગીદાર બની રહી છે. ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ સ્વદેશી અને આત્મનિર્ભર ભારતની વિચારધારાને આગળ વધારવા માટે સૌ નાગરિકોને સશક્ત નારી મેળાની મુલાકાત લેવા અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી નિશા ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ, અગ્રણી પ્રકાશભાઈ મોદી, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ, પ્રાંત અધિકારીઓ, નાયબ કલેક્ટર, વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
