અંકલેશ્વર: ભરૂચ જિલ્લાના પાનોલી પોલીસ સ્ટેશનની હદમાં માતા લક્ષ્મીની પૂજા અને ધાર્મિક વિધિના બહાને આર્થિક સંકટ દૂર કરવાની લાલચ આપી લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. આ બનાવની વિગત એવી છે કે, એક અરજદારે પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે પારડી ઇદ્રીશ ગામના શખ્સો અને બાલાસિનોરના એક ગુરુજીએ લક્ષ્મી પૂજાના નામે તેમને વિશ્વાસમાં લઈ, પૈસા ભરેલી પેટી બતાવી આર્થિક તકલીફો દૂર કરવાનું કહી કુલ રૂપિયા ૨૭,૪૮,૫૦૦/- પડાવી લીધા હતા. આ બાબતે પાનોલી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. દેસાઈએ ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ભારતીય ન્યાય સંહિતાની કલમો તેમજ ગુજરાત માનવ બલિદાન અને અમાનુષી, અનિષ્ટ અને અધોરી પ્રથા અને કાળો જાદુ અટકાવવા બાબતના નવા અધિનિયમ ૨૦૨૪ હેઠળ ગુનો રજીસ્ટર કર્યો હતો.
પોલીસે તપાસ દરમિયાન પારડી ઇદ્રીશ ગામના સન્મુખભાઇ બુધાભાઈ વસાવા અને પ્રતીકભાઇ સન્મુખભાઇ વસાવાને રાઉન્ડ-અપ કરી સઘન પૂછપરછ કરતા તેઓએ ગુનાની કબૂલાત કરી હતી. આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓ લોકોને લાલચ આપી પોતાના ગામે બોલાવતા અને વિધિના નામે છેતરપિંડી આચરતા હતા. આ ગુનામાં બાલાસિનોરના સુથારભાઇ ઉર્ફે બાપુ નામના અન્ય એક શખ્સનું નામ પણ ખુલ્યું છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કરી તપાસ તેજ કરી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક કુશલ ઓઝાની સૂચના મુજબ પાનોલી પોલીસે આ સફળ કામગીરી કરી અંધશ્રદ્ધાના નામે ઠગાઈ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરી છે.
