ઉતરાયણના તહેવાર દરમિયાન ઊભી થતી તાત્કાલિક આરોગ્ય સંબંધિત પરિસ્થિતિઓને અસરકારક રીતે સંભાળવા ભરૂચ જિલ્લામાં 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 14 અને 15 જાન્યુઆરી 2026ના રોજ સમગ્ર જિલ્લામાં કુલ 34 જેટલી 108 એમ્બ્યુલન્સ કાર્યરત રાખવામાં આવશે, જેમાં આશરે 140 જેટલા ડ્રાઈવર, ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન સહિતના સ્ટાફને એલર્ટ મોડમાં તૈનાત રાખવામાં આવશે.
અગાઉના વર્ષોના અનુભવ મુજબ ઉતરાયણ દરમિયાન સામાન્ય દિવસોની તુલનામાં ઈમરજન્સી કોલ્સમાં નોંધપાત્ર વધારો નોંધાય છે. માર્ગ અકસ્માતો, છત પરથી પડી જવાની ઘટનાઓ, પતંગની દોરીથી ઇજા થવી તેમજ અન્ય ટ્રોમા કેસો વધુ પ્રમાણમાં સામે આવતાં હોય છે. આ તમામ સંજોગોને ધ્યાનમાં રાખીને 108 સેવા દ્વારા ઝડપી પહોંચ અને સમયસર પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવવા સુવ્યવસ્થિત આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
108 ઈમરજન્સી મેડિકલ સર્વિસ દ્વારા નાગરિકોને ઉતરાયણ સલામતીપૂર્વક અને સંયમથી ઉજવવા અપીલ કરવામાં આવી છે. કોઈપણ અચાનક કે તાત્કાલિક સ્થિતિ સર્જાય ત્યારે વિલંબ કર્યા વગર તરત 108 પર સંપર્ક કરવા જણાવાયું છે, જેથી ઉતરાયણનો તહેવાર સૌ માટે સુરક્ષિત, આનંદમય અને યાદગાર બની રહે.
