ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી આપતા જણાવ્યું છે કે, રાજયમાં આજથી ત્રણ દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યનાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 115 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી વધુ વરસાદ વડોદરા, હાલોલ, સાબરકાંઠાના વિજયનગર અને ખેડાના ઠાસરામાં પોણા બે ઇંચ નોંધાયો છે. તો બીજી તરફ ખેડાના ગળતેશ્વર અને પંચમહાલના ઘોઘંબામાં દોઢ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
જ્યારે રાજ્યના 13 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ હાથતાળી આપી રહ્યો છે. રાજ્યનાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગનાં કહેવા પ્રમાણે, 19થી 21 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. આ દરમિયાન અનેક ઠેકાણે ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સાથે સાથે આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. આજની સ્થિતિની વાત કરીએ તો આજે વરસાદની 20 ટકા ઘટ હોવાની જાણકારી સામે આવી રહી છે. વળી આજથી ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યુ છે. મંગળવાર સુધી આ ઓરેન્જ એલર્ટ યથાવત રહેશે. આપને જણાવી દઇએ કે, પંચમહાલ,મહિસાગર, ભરૂચ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભાવનગર, સુરત, વડોદરા,નર્મદા,નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.