લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીની પૂર્વતૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ગાંધીનગર ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીના અધ્યક્ષસ્થાને અધિક/નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓનો રાજ્યકક્ષાનો વર્કશૉપ યોજાયો હતો. આ વર્કશૉપમાં ચૂંટણી પ્રક્રિયા સાથે સંબંધિત વિવિધ પાસાઓ અને ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી અદ્યતન સુચનાઓ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
મુક્ત, ન્યાયી અને પારદર્શી ચૂંટણીઓ માટે સંકલ્પબદ્ધ ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની આગામી ચૂંટણીઓના સરળ અને સુગમ સંચાલન માટે વિવિધ ચૂંટણી પ્રક્રિયાઓ સંદર્ભે અદ્યતન સુચનાઓ આપવામાં આવી છે. આ સુચનાઓનો રાજ્યભરમાં સુચારૂ અમલ થાય તે સુનિશ્ચિત કરવા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા અધિક/નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓનો રાજ્યકક્ષાનો વર્કશૉપ યોજાયો હતો. આ એક દિવસીય તાલીમ વર્કશૉપના પ્રથમ સત્રમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી આગોતરી તૈયારી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના વિવિધ અધિકારીશ્રીઓ દ્વારા ક્ષતિરહિત મતદારયાદી અને તેની પ્રસિદ્ધિ, મતદાન મથકો પરની વ્યવસ્થાઓ, EVM ના ડિસ્પેચથી લઈ તેના યોગ્ય સંગ્રહ અને ચૂંટણી સંચાલન માટેના સ્ટાફની વિગતો અંગે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી અદ્યતન સુચનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાલીમ વર્કશૉપના બીજા સત્રમાં આઈ.ટી. ઍપ્લિકેશન્સ અને પોલીંગ સ્ટાફની તાલીમ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં લોકસભાની ચૂંટણીઓમાં મહત્તમ મતદાન થાય તે માટે તમામ વયજૂથના મતદારોમાં મતદાર જાગૃતિ કેળવવા સંદર્ભે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.