માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામે ખેડૂતના ઘરમાં પૂજા-પાઠ માટે પ્રગટાવેલો દીવો ઉંદરોએ ખેંચી જતા લાગેલી આગમાં ત્રણ લાખથી વધુનું ખેડૂત પરિવારને નુકસાન થયું હતું.
વેરાકુઈ ગામના નવા ફળિયામાં રહેતા ખેડૂત અરવિંદભાઈ ગોમાનભાઈ ગામીતના ઘરમાં સવારે દેવ દર્શન પૂજા-પાઠ પ્રાર્થના માટે દીવો પ્રગટાવ્યો હતો ત્યારબાદ ઘરના તમામ સભ્યો ખેતરમાં કામકાજ માટે નીકળી ગયા હતા. આ દરમિયાન પૂજાપાઠ પ્રાર્થના માટે પ્રગટાવેલા દીવામાં તેલ-ઘી હોવાથી ઉંદરોએ આ દીવાને મંદિરથી બહાર ખેંચી લાવતા નજીકમાં પડેલા કપડા સાથે આગ ઘરમાં પ્રસરી ગઇ હતી ત્યારે ધુમાડાના ગોટેગોટા નીકળતા ફળિયાના લોકો તાત્કાલિક મદદ દોડી આવ્યા હતા અને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાથી નાની નરોલી સ્થિત જી આઈ પી સી એલ કંપનીમાંથી ફાયરની ટીમને બોલાવવામાં આવી હતી અને તેમણે આગને કાબૂમાં લીધી હતી. ખેડૂતના ઘરમાં રોકડા રૂપિયા 32,000 તેમજ કબાટ, ફ્રીજ, કપડાં, પલંગ, ઘરવખરીનો સામાન બળી ગયો હતો.
આ ઘટનાના સંદર્ભમાં ગ્રામ પંચાયતના પદાધિકારી અને તલાટી કમ મંત્રી ઘટના સ્થળ ઉપર પહોંચીને જરૂરી કાર્યવાહી કરી હતી જેમાં તેઓએ અંદાજિત રૂ. 3,07,000 નું નુકસાન થયા અંગેનો રિપોર્ટ તૈયાર કરી તાલુકા કચેરીને સુપરત કરાયો છે, આ ઘટનાની જાણ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય તૃપ્તિબેન શૈલેષભાઈ મૈસુરીયાને થતાં તેઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂત પરિવારને અનાજની કીટ સહિત આર્થિક સહાય કરી મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો હતો.
વિનોદ મૈસૂરિયા : વાંકલ