ગુજરાતમાં સંસ્કૃત ભારતી દ્વારા ૧૭ વર્ષથી ગૌરવ પરીક્ષા લેવામાં આવે છે. બાલ્યકાળથી સંસ્કૃતનો પરિચય થાય, સામાન્યજન સંસ્કૃતાભિમુખ થાય, આપણી સાંસ્કૃતિક વિરાસત અને ભવ્ય ભૂતકાળ જાણી શકાય તેમજ સંસ્કૃત ભાષાની સરળતા તથા મધુરતાનો પરિચય થાય એટલા માટે પ્રતિવર્ષ પ્રવેશિકા, પ્રદીપિકા, પ્રમોદીકા અને પ્રવાહિકા આ ચાર પરીક્ષા લેવામાં આવે છે.
ધોરણ છ થી લઈને કોલેજનો ઉચ્ચતર અભ્યાસ કરતા કોઈપણ બાળક, વિદ્યાર્થી તેમજ સમાજની કોઈપણ વ્યક્તિ આ ગૌરવ પરીક્ષા આપી શકે છે. ચાલુ વર્ષે ગૌરવ પરીક્ષાના સંયોજક ડૉ.કાજલબેન પટેલ તેમજ સંસ્કૃતભારતી મહીસાગર જનપદના સંયોજક ડૉ.નરેશ વણઝારા તેમજ સહસંયોજક ડૉ. દિનેશ માછીના સંકલન અને સાથ સહકારથી જિલ્લામાં સૌથી વધારે સંસ્કૃતાનુરાગીઓ પરીક્ષા આપે એટલા માટે જિલ્લા સ્તરે ઓનલાઇન ગોષ્ઠીઓ તેમજ શાળા-કોલેજોની રૂબરૂ મુલાકાત કરી હતી. જેના લીધે શાળા-કોલેજો અને શૈક્ષણિક, સામાજિક તેમજ ધાર્મિક અનુરાગીઓ તરફથી સારો પ્રતિસાદ મળતાં પરીક્ષા માટે 850 જેટલા રજિસ્ટ્રેશન થયાં હતા. ગૌરવ પરીક્ષા મહીસાગર જનપદના સંયોજક ડૉ.કાજલ પટેલના જણાવ્યાનુસાર મહીસાગર જનપદમાંથી આજે શાળા-કોલેજોના 17 સેન્ટરોમાંથી 700 જેટલા બાળકો, કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રસ ધરાવતા શિક્ષકો, ડોક્ટરો વગેરેએ પ્રથમ પ્રવેશિકા પરીક્ષા આપી હતી. આજે લેવાયેલ ગૌરવ પરીક્ષાના સુચારું સંકલન અને સંચાલન માટે સંયોજક ડૉ. નરેશ વણઝારા તેમજ સહ સંયોજક ડૉ.દિનેશ માછીએ સંસ્કૃત ભારતી મહીસાગર જનપદના તમામ કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી