Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરાના વિદ્યાર્થીઓ યુક્રેનથી વતન પરત ફરતા સાંસદ ધારાસભ્યના હસ્તે કુમકુમ તિલક કરી ભાવભીનુ કરાયું સ્વાગત.

Share

કોઈ લગ્ન પ્રસંગ ન હતો તેમ છતાં વડોદરા સર્કિટ હાઉસના પ્રાંગણમાં બહારો ફૂલ બરસાવોની પંક્તિઓનો ગણગણાટ હવામાં ગુંજતો હતો.

વહેલી સવારથી ચાતક નજરે રાહ જોવાતી હતી એવી ગુજરાત સરકારની વોલ્વો બસ જ્યારે યુક્રેનની યુદ્ધભૂમિમાંથી હેમખેમ પરત ફરેલા પોતાના વ્હાલા સંતાનોને લઈને સર્કિટ હાઉસના આંગણમાં પ્રવેશી ત્યારે માતાપિતા, દાદા, કાકા જે કોઈ સ્વજનો હાજર હતા. તેમની આંખોમાં હર્ષના આસું ઉભરાયા હતાં અને ક્યારે અમારા લાડકવાયા બસમાંથી ઉતરે અને આપણી ધરતી પર પગ મૂકે અને એમને જોઇને આંખ ઠરે એની ઉત્સુકતા સ્પષ્ટ ડોકાતી હતી અને જ્યારે એ લાડકો કે લાડકી બસમાંથી ઉતરીને એમને ભેટ્યા ત્યારે ચારેય આંખોમાં હર્ષનો શ્રાવણ ભાદરવો વરસતો હતો.

એક પણ શબ્દ નીકળતો ન હતો પરંતુ એ મૌનમાં અને આંખોમાં હરખનું બોલકું નિવેદન હતું. ત્યાં શું થયું,કેવી યાતના વેઠી, કેવું જોખમ હતું એ કશું જ પુછવું ન હતું બસ તમે સહીસલામત આવી ગયા એ માટે પરમાત્મા પ્રત્યે આભાર નિવેદન અને આ લોકોને દારૂગોળાથી સળગતી અગનભુમિમાંથી સાચવીને પાછા લાવનારી ભારત સરકાર અને જરૂરી પૂરક વ્યવસ્થાઓ કરનારી ગુજરાત સરકાર માટે ધન્યવાદનું મૌન નિવેદન હતું.

મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલ, સાંસદ રંજનબહેન ભટ્ટ, ધારાસભ્ય સીમા મોહિલે એ માતૃ વાત્સલ્યથી તેમના ભાલે કુમકુમ તિલક કર્યા હતા. તો મેયર કેયુર રોકડિયા,પ્રદેશ અગ્રણી ભાર્ગવ ભટ્ટ, ધારાસભ્ય જીતુભાઈ સુખડીયા, ડો.વિજય શાહ સહિત અગ્રણીઓએ હેતપુર્વક સૌ આગંતુકોને આવકાર્યા હતા અને બસના આગમન સુધી તેમના પરિવારજનોને સાંત્વન આપ્યું હતું.

જિલ્લા કલેકટર અતુલ ગોરના દિશા નિર્દેશો હેઠળ જિલ્લા વહીવટી તંત્રે જરૂરી વહીવટી પ્રક્રિયાઓ અને પોલીસ કમિશનર ડો.શમશેરસિંહના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્રે એસ્કોર્ટ અને સુરક્ષાની વ્યવસ્થા કરી હતી.મહેમાનોને આવકારવામાં આ બંને ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. નિવાસી અધિક કલેકટર કુલદીપ ઝાલાના જણાવ્યા મુજબ આ વ્યવસ્થા હેઠળ વડોદરા શહેર અને પંથકના ૧૮ વિદ્યાર્થીઓની વતન વાપસી થઈ હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલ LCBની ટીમે ટાટાસુમો ગાડીમાં કતલખાને લઇ જવાતા પાંચ ગૌવંશને બચાવ્યા. એક ઇસમની ધરપકડ

ProudOfGujarat

નડિયાદ : શ્રી સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટરમાં પદવીદાન સમારોહ યોજાયો.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ફુલવાડી ગામે ડિગ્રી વિનાનો બોગસ ડોક્ટર ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!