સૌજન્ય-વડોદરા: સરસિયા તળાવ પાસે હત્યાના પ્રયાસના ગુનામાં પકડાયેલા આરોપી અસ્ફાક ઉર્ફે બાબાને જેલમાંથી જાપ્તા સાથે કોર્ટ પર લઇ ગયા બાદ ત્યાંથી પરત ફરતા સમયે જાપ્તાની ગાડી દીવાળીપુરા સિગ્નલ પર રોકાઇ હતી. સરકારી ગાડીનો ટુ વ્હીલર પર પીછો કરતા યાકુતપુરાના મહંમદ ખાલીદ ઉર્ફે કીચડ કા રાજાએ ઉભી રહેલી ગાડીમાં ચરસ આપવાનો પ્રયાસ કરતાં જાપ્તાના પોલીસ કર્મીઓેએ ફિલ્મી ઢબે પીછો કરી મલ્હાર પોઇન્ટ પાસેથી ઝડપી લીધો હતો જ્યારે અન્ય સાગરિત ફરાર થઇ ગયો હતો. પોલીસે ચરસ ઉપરાંત હેરોઇન, મોરફીન, બ્યુપ્રેનોફીનના ઘટક ધરાવતા ગુલાબી પાઉડરને જપ્ત કરી ચાર વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. ખાલીદને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
અાજવા રોડનો સિવિલ કોન્ટ્રાક્ટર કપિલ રમેશ મોરે ગત 16 જૂને એક્ટિવા પર સરસિયા તળાવ પાસેથી જતો હતો ત્યારે ટોળાએ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં મહંમદ ખાલીદ ઉર્ફે કિચકડા રાજા મહંમદ હનીફ શેખ, અસ્ફાક ઉર્ફે બાબા ઇકબાલ શેખ, ઇરફાન ઉર્ફે ખન્ના નબીભાઇ શેખ અને સોયેબ ઉર્ફે ગરમ ફરીદભાઇ શેખની ધરપકડ થઇ હતી. આ ગુનામાં સેન્ટ્રલ જેલમાંથી અસ્ફાક બાબાને ગુુરુવારે જાપ્તા હેઠળ કોર્ટમાં લઇ જવાયો હતો.

LEAVE A REPLY