આજે અવિધા અને ફુલવાડી ગામે કુલ બે પોઝિટિવ કેસ બહાર આવ્યા.
ભરૂચ જિલ્લામાં કોરોનાના વધી રહેલા સંક્રમણથી જનતામાં ડર ફેલાયો છે. જિલ્લાના શહેરી વિસ્તારો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમિત પોઝિટિવ કેસો વધતા દેખાઇ રહ્યા છે. લોકડાઉન બાદ કોરોનાના કેસોમાં જે પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે તે સાચેજ વહીવટી તંત્ર તેમજ જનતા માટે ચિંતાજનક છે. ઝઘડિયા તાલુકામાં પણ કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યા છે. રાજપારડી, ઝઘડિયા, વણાકપોર, પીપદરા, ફીચવાડા, અવિધા, બલેશ્વર, રાણીપુરા, દુમાલા બોરીદ્રા, ઉમલ્લા-દુ.વાઘપુરા જેવા ગામોએ કોરોના સંક્રમિત કેસો આવ્યા બાદ તે અટકવાનું નામ લેતો નથી. દરમિયાન આજરોજ ઝઘડિયા તાલુકામાં એક સાથે બે કોરોના સંક્રમિત પોઝિટિવ કેસ આવતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. ઝઘડિયા તાલુકાના અવિધા ગામના સુથાર ફળીયામાં રહેતી ૨૪ વર્ષીય કેશાબેન હિતેશભાઈ ભટ્ટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તથા ફુલવાડી ગામે ટેકરા ફળિયામાં રહેતા ૧૯ વર્ષીય અજયભાઈ રમેશભાઈ વસાવાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તાલુકાનો આરોગ્ય વિભાગ દોડતો થયો હતો. આ ઉપરાંત મુળ હાંસોટ તાલુકાના અને હાલ કોસંબા ખાતે રહેતા જયવીનભાઇ ઉમેશભાઇ પરમાર નામના ઇસમ સામેની ફરિયાદમાં ઝઘડીયા પોલીસે તેને હસ્તગત કર્યો હતો. જેનો ઝઘડીયા પોલીસ દ્વારા અવિધા ખાતે કોરોના ટેસ્ટ કરાવતા તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા ઝઘડીયા તાલુકાના બન્ને કોરોના પોઝિટિવ દર્દીઓના પરિવારના સભ્યોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. તથા તેની આજુબાજુના વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરી આરોગ્યલક્ષી તપાસ તેમજ કન્ટેન્ટમેન્ટ વિસ્તારના રહીશોને જરૂરી સૂચનાઓ તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહેલા કોરોના સંક્રમણથી તાલુકા વાસીઓમાં ભયનો માહોલ જણાય છે. કોરોનાના વધી રહેલા કેસોના કારણે આજરોજ ઝઘડિયા પીએસસી દ્વારા કોરોના પોઝિટિવ એરિયા અને બફર ઝોનમાં આયુર્વેદિક દવાઓનુ ડોર ટુ ડોર વિતરણ કરવામાં આવ્યું હતું. અને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.
ગુલામહુસેન ખત્રી:- રાજપારડી