અંકલેશ્વર, તા. 13
અંકલેશ્વર નગરપાલિકા હસ્તકના સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટની કામગીરીને લઈને હવે ગંભીર સવાલો ઊભા થયા છે. કરોડો રૂપિયાના ખર્ચે ઉભા કરાયેલા પ્લાન્ટની વાસ્તવિક કામગીરી, એજન્સીને ચૂકવાતા બિલ, વીજ વપરાશ, કચરાના વજન અને સ્ટાફની નિમણૂક સહિતની બાબતો અંગે થયેલી તપાસમાં અનેક ક્ષતિઓ સામે આવી છે.
મળતી વિગતો મુજબ પ્લાન્ટ પાછળ અંદાજે રૂ.12થી 15 કરોડનો ખર્ચ થયો હોવાના દાવા વચ્ચે નગરપાલિકા દ્વારા એજન્સીને પ્રતિ મેટ્રિક ટન રૂ.1,038ના દરે ટેન્ડર અપાયું છે, જ્યારે તપાસ અહેવાલમાં નિર્ધારિત મહત્તમ દર રૂ.765 હોવાનું જણાવાયું છે. એટલે ટેન્ડર દર આશરે 35.7 ટકા વધુ હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આ વધારાના દરને કારણે નગરપાલિકાના સ્વભંડોળ પર પડતા નાણાકીય બોજ અંગે પણ સવાલો ઊભા થયા છે.
બિલ લાખોમાં, વીજ વપરાશ હજારોમાં?
આક્ષેપ મુજબ પ્લાન્ટના સરેરાશ માસિક બિલ આશરે રૂ.15 લાખ સુધી પહોંચે છે, જ્યારે વીજળીનું માસિક બિલ માત્ર રૂ.12થી 15 હજારની આસપાસ પણ ન હોવાનું જણાવાય છે. જો આ આંકડા સાચા હોય તો આટલા મોટા મિકેનિકલ પ્રોસેસિંગ પ્લાન્ટની વાસ્તવિક કામગીરી કેટલી છે તે અંગે ગંભીર તપાસ જરૂરી બને છે.
તપાસ અહેવાલમાં પણ ડિસેમ્બર-2025થી એપ્રિલ-2026 દરમિયાન વીજ વપરાશમાં ઘટાડો થતો હોવા છતાં કચરા પ્રોસેસિંગ/નિકાલનો જથ્થો વધતો દર્શાવવામાં આવ્યો હોવાનું નોંધાયું છે. અહેવાલે વીજ વપરાશ અને પ્રોસેસ થયેલા કચરાના જથ્થા વચ્ચેની વિસંગતતાને ગંભીર બાબત ગણાવી વૈજ્ઞાનિક ઢબે તપાસની જરૂરિયાત દર્શાવી છે.
વધુમાં, સ્થળ તપાસ વખતે એજન્સીના સ્ટાફે પ્લાન્ટની મશીનરી છેલ્લા 25 દિવસથી આંશિક બંધ હોવાનું સ્વીકાર્યું હતું. તેમ છતાં ઓગસ્ટનું બિલ અગાઉના મહિનાઓ કરતાં આશરે રૂ.1 લાખ વધુ રજૂ કરાયું હોવાનો તપાસ અહેવાલમાં ઉલ્લેખ છે.
વજનકાંટાના રેકોર્ડ વગર બિલિંગ થયું?
પ્લાન્ટના કચરાના વજનના આંકડાની વિશ્વસનીયતા પણ સવાલ હેઠળ આવી છે. તપાસ દરમિયાન વજનકાંટાનું જરૂરી Legal Metrology પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું ન હોવાનું અને તેના કારણે નોંધાતા દૈનિક કચરાના આંકડાની વિશ્વસનીયતા શંકાસ્પદ બનતી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
આ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસરે વજનકાંટાના જરૂરી રજીસ્ટર/દસ્તાવેજો વિના બિલ પાસ કર્યા હતા કે કેમ અને બિલ પાસ કરતી વખતે વજન તથા કામગીરીનું યોગ્ય વેરિફિકેશન થયું હતું કે નહીં તે અંગે પણ તપાસની માંગ ઉઠી છે. આ બાબત હાલ આક્ષેપના સ્તરે છે અને તેની સત્તાવાર તપાસ જરૂરી છે.
સ્ટાફ છે, પણ રેકોર્ડ ક્યાં?
તપાસમાં સ્થળ પર કામ કરતા કર્મચારીઓના આધારકાર્ડ, PAN કાર્ડ, બેંક વિગતો અને પગાર સ્લિપ જેવા મૂળભૂત દસ્તાવેજો એજન્સી રજૂ કરી શકી ન હોવાનું સામે આવ્યું છે. સ્થળ પરના કર્મચારીઓને દૈનિક રૂ.400 રોકડ ચૂકવાતા હોવાની માહિતી પણ તપાસ દરમિયાન મળી હતી. PF અને ESIC અંગેના રેકોર્ડ પણ રજૂ કરાયા ન હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
આથી રેકોર્ડ પર સ્ટાફની નિમણૂક કેવી રીતે દર્શાવવામાં આવી, પગારનો બેંક પેરોલ ક્યાં છે અને નગરપાલિકા દ્વારા આ કર્મચારી ખર્ચનું વેરિફિકેશન કેવી રીતે કરાયું? તેવા સવાલો ઊભા થયા છે.
42 ટનના બિલ સામે વાસ્તવિક કચરો કેટલો?
એજન્સીના બિલ મુજબ દૈનિક સરેરાશ આશરે 42 મેટ્રિક ટન કચરો પ્રોસેસ થતો હોવાનું દર્શાવાય છે, પરંતુ સ્થળ તપાસમાં એક દિવસની કચરાની આવક આ સરેરાશ કરતાં ઓછી જણાઈ હતી. બિલિંગમાં દર્શાવાતા જથ્થા અને વાસ્તવિક જથ્થા વચ્ચેના તફાવતની સઘન તપાસ જરૂરી હોવાનું અહેવાલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
RDF અને Compostના વેચાણ અંગે પણ એજન્સીએ દાવો કર્યો હતો, પરંતુ વેચાણના ઇન્વોઇસ, રેકોર્ડ કે ખરીદદારની વિગતો સ્થળ પર મળી નહોતી.
હવે સ્ટેટ વિજિલન્સની તપાસની માંગ
કરોડોના પ્લાન્ટમાં ટેન્ડર દર, બિલિંગ, વીજ વપરાશ, વજનકાંટા, સ્ટાફની નિમણૂક અને પગાર પેરોલ સહિતના તમામ મુદ્દાઓની એકસાથે તપાસ થાય તેવી માંગ ઉઠી છે. સમગ્ર મામલો હવે રાજ્ય સરકારની સ્ટેટ વિજિલન્સ તપાસના દાયરામાં આવે તો જવાબદારી કોની નક્કી થાય છે અને અત્યાર સુધી ચૂકવાયેલા બિલોની ફરી ચકાસણી થાય છે કે નહીં, તેના પર નજર રહેશે.
નગરપાલિકા દ્વારા એજન્સીને અગાઉ પણ કામગીરી સુધારવા સૂચનાઓ આપવામાં આવી હતી. છતાં જૂનના બિલમાંથી રૂ.50 હજાર અને જુલાઈના બિલમાંથી રૂ.1 લાખની પેનલ્ટી કાપ્યા બાદ પણ ફરિયાદો ચાલુ રહી હોવાનું સરકારી તપાસ અહેવાલમાં નોંધાયું છે.
હવે મુખ્ય સવાલ એ છે કે કરોડોના પ્લાન્ટની વાસ્તવિક કામગીરી અને લાખોના બિલિંગ વચ્ચેનો હિસાબ કોણ ચકાસશે? અને જો ગેરરીતિ સાબિત થાય તો નગરપાલિકાના સ્વભંડોળને થયેલા સંભવિત નુકસાનની જવાબદારી કોની નક્કી થશે?
