ભરૂચ:
ભાદરવા માસના પ્રારંભે જ મેઘરાજાએ ભરૂચ જિલ્લામાં ધમાકેદાર બેટિંગ કરી છે. લાંબા સમયના વિરામ બાદ રાત્રિ દરમિયાન જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાતા સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી ગઈ હતી. ઉકળાટ અને ગરમીથી ત્રસ્ત લોકોને પણ વરસાદથી મોટી રાહત મળી છે.
જિલ્લામાં સૌથી વધુ અંકલેશ્વર તાલુકામાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ભરૂચ અને હાંસોટમાં 3-3 ઈંચ, વાલિયામાં 2.5 ઈંચ, ઝઘડિયામાં અને નેત્રંગમાં 2-2 ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉપરાંત વાગરામાં પોણા 2 ઈંચ, જંબુસરમાં 1 ઈંચ અને આમોદમાં 15 મિમી વરસાદ નોંધાયો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ રાહતરૂપ બન્યો છે. વરસાદના અભાવે સુકાઈ રહેલા ઊભા પાકને પાણી મળતાં ખેતીને નવું જીવનદાન મળ્યું છે. ખાસ કરીને કપાસ, તુવેર સહિતના ખરીફ પાક માટે આ વરસાદ ફાયદાકારક સાબિત થયો છે. રાત્રિના ભારે વરસાદ બાદ સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા રહ્યા હતા અને છૂટોછવાયો વરસાદ તથા વરસાદી છાંટા ચાલુ રહેતા વાતાવરણ આહલાદક બની ગયું હતું. હવે આગામી દિવસોમાં પણ મેઘમહેર યથાવત રહે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે.
તાલુકાવાર વરસાદ
અંકલેશ્વર: 3.5 ઈંચ
ભરૂચ: 3 ઈંચ
હાંસોટ: 3 ઈંચ
વાલિયા: 2.5 ઈંચ
ઝઘડિયા: 2 ઈંચ
નેત્રંગ: 2 ઈંચ
વાગરા: પોણા 2 ઈંચ
જંબુસર: 1 ઈંચ
આમોદ: 15 મિમી
