અંકલેશ્વર :
અંકલેશ્વરના ભડકોદ્રા ગામ નજીક ગંદી ખાડી (આમલા ખાડી) પાસે ખેતરમાં જવાના પગદંડી માર્ગ પરથી ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી આવતાં ચકચાર મચી ગઈ છે. નોકરી પરથી ઘરે પરત ફરી રહેલા એક સિક્યુરિટી સુપરવાઈઝરને બાળકીના રડવાનો અવાજ સંભળાતાં તેઓ ત્યાં રોકાયા હતા. તપાસ કરતાં નવજાત બાળકી મળી આવતાં તેમણે તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
મળતી માહિતી મુજબ, મૂળ બિહારના સમસ્તીપુર જિલ્લાના વતની અને હાલ અંકલેશ્વરના ભડકોદ્રા ગામની રાધે રેસિડેન્સીમાં પરિવાર સાથે રહેતા સુનિલકુમાર ઠાકુર પાનોલી જીઆઈડીસીમાં આવેલી જલ ક્યુવા કંપનીમાં સિક્યુરિટી સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. ગત તા.19 ઓક્ટોબર, 2026ના રોજ સાંજે સાત વાગ્યે કંપનીમાંથી છૂટ્યા બાદ તેમની મોટરસાઇકલમાં ખામી હોવાથી તેમણે તેનું સમારકામ કરાવ્યું હતું. ત્યારબાદ રાત્રે આશરે સાડા આઠ વાગ્યાના અરસામાં તેઓ ઘરે જવા નીકળ્યા હતા.
આ દરમિયાન નોબલ માર્કેટથી ભડકોદ્રા ગામ તરફ જતા માર્ગ પર ગંદી ખાડી (આમલા ખાડી) નજીક પહોંચતાં તેમને બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો. આથી તેમણે વાહન રોકીને આસપાસ નજર કરતાં ખેતરમાં જવાના પગદંડી માર્ગ પર એક નવજાત બાળકી હોવાનું જણાયું હતું. નજીક જઈ તપાસ કરતાં કોઈ અજાણી વ્યક્તિ બાળકીનો ત્યાગ કરીને જતી રહી હોવાનું જણાતાં તેમણે બાળકીને પોતાના હાથમાં ઉપાડી લીધી હતી.
ત્યારબાદ સુનિલકુમાર બાળકીની સારવાર માટે તેને જયાબેન મોદી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જોકે, ત્યાં દાખલ કરવાની પ્રક્રિયા દરમિયાન ખર્ચ વધુ જણાતાં તેઓ બાળકીને અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં હોસ્પિટલના સ્ટાફને સમગ્ર ઘટનાની જાણ કરી નવજાત બાળકીને સારવાર માટે દાખલ કરાવી હતી.
આ બનાવમાં જન્મ છુપાવવાના ઇરાદે કોઈ અજાણી વ્યક્તિએ નવજાત બાળકીને ત્યજી દીધી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સુનિલકુમાર ઠાકુરે બાળકીનો ત્યાગ કરનાર અજાણી વ્યક્તિને શોધી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ફરિયાદ નોંધાવી છે. હવે તપાસ દરમિયાન બાળકીના માતા-પિતા અને તેને ત્યજી જનાર વ્યક્તિ અંગેની હકીકતો બહાર આવે તે દિશામાં કાર્યવાહી જરૂરી બની છે.
