Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર નગરપાલિકાના કચરા પ્લાન્ટમાં ગંભીર બેદરકારી, સેનેટરી ઇન્સ્પેક્ટરને કારણદર્શક નોટિસ : કચરાના આંકડા અને વીજ વપરાશમાં વિસંગતતા છતાં બિલોની ચુકવણી, 25 દિવસથી પ્લાન્ટ આંશિક બંધ હોવા છતાં દેખરેખનો અભાવ

Share

 

અંકલેશ્વર : અંકલેશ્વર નગરપાલિકા હસ્તકના ઘન કચરા વ્યવસ્થાપન પ્રોજેક્ટના પ્રોસેસિંગ પ્લાન્ટ અને ડોર-ટુ-ડોર કલેક્શન કામગીરીમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે. સમગ્ર મામલે સુરત ઝોનની પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી દ્વારા અંકલેશ્વર નગરપાલિકાના ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર નીલીમાબેન મોદી સામે કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસમાં ફરજમાં ગંભીર બેદરકારી બદલ ચાર દિવસમાં ખુલાસો કરી હાજર રહેવા તાકીદ કરવામાં આવી છે.

Advertisement

સ્થળ તપાસના અહેવાલ અને ઉચ્ચ કક્ષાની સૂચનાના આધારે હાથ ધરાયેલી તપાસમાં એજન્સીના કર્મચારીઓના આધારકાર્ડ, પાનકાર્ડ, બેંક વિગતો અને પગાર સ્લિપ જેવા પાયાના દસ્તાવેજોની યોગ્ય ચકાસણી ન કરવામાં આવી હોવાનું નોંધાયું છે. ઉપરાંત પ્લાન્ટના વજનકાંટાનું કેલિબ્રેશન સર્ટિફિકેટ તેમજ RDF અને Compostના વેચાણ સંબંધિત દસ્તાવેજો મેળવવા અને ચકાસવામાં પણ બેદરકારી દર્શાવવામાં આવી છે.

સૌથી ગંભીર બાબત એ છે કે પ્લાન્ટની મશીનરી છેલ્લા 25 દિવસથી આંશિક રીતે બંધ હોવા છતાં બિલોની ચુકવણી કરતાં પહેલાં યોગ્ય વેરિફિકેશન કરવામાં આવ્યું ન હોવાનું નોટિસમાં જણાવાયું છે. એટલું જ નહીં, DGVCLના વીજ વપરાશ અને એજન્સી દ્વારા દર્શાવવામાં આવેલા કચરા નિકાલના આંકડા વચ્ચેની ગંભીર વિસંગતતા પર પણ ધ્યાન આપવામાં આવ્યું ન હોવાનો ઉલ્લેખ છે.

આ ઉપરાંત GPCBના નિયમો મુજબ ફરજિયાત EPR પ્રમાણપત્ર, RDF ગુણવત્તા ચકાસણી અહેવાલ અને CTOના નવીનીકરણની વિગતો નિયમિતપણે મેળવવામાં આવી કે નહીં તે અંગે પણ સવાલો ઊભા થયા છે. ડોર-ટુ-ડોર વાહનોની અનિયમિતતા, અપૂરતું કલેક્શન તથા દારૂ પીને વાહન ચલાવવાની ગંભીર ફરિયાદો છતાં અસરકારક દેખરેખ અને નિયંત્રણ ન રાખવામાં આવ્યું હોવાનો પણ નોટિસમાં ઉલ્લેખ છે.

નોટિસમાં વધુમાં ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટરને તેમની શૈક્ષણિક લાયકાત, ટેલિફોન ઓપરેટરના સંવર્ગ/હોદ્દા પરથી સેનેટરી ઇન્સ્પેક્ટરનો ચાર્જ સોંપવા તથા ત્યારબાદ કાયમી નિમણૂક કરવા સંબંધિત નિયમો અને તમામ હુકમોની પ્રમાણિત નકલો રજૂ કરવા જણાવાયું છે. સાથે 7 નવેમ્બર 2024થી આજદિન સુધી એજન્સીને કરાયેલા બિલોની ચુકવણી અંગેનું વિઝિટ રજિસ્ટર, સ્થળ તપાસના અહેવાલો અને એજન્સીને અપાયેલી સૂચનાઓની અમલવારીની વિગતો પણ માગવામાં આવી છે.

ચાર દિવસની નિયત મુદતમાં લેખિત ખુલાસો રજૂ નહીં કરવામાં આવે અથવા ખુલાસો અસંતોષકારક જણાશે તો ગુજરાત નગરપાલિકા અધિનિયમ-1963 તથા ગુજરાત સેવા શિસ્ત અને અપીલના નિયમો-2002 હેઠળ શિસ્તભંગની કાર્યવાહી સહિત એકતરફી છૂટા કરવાની કાર્યવાહી હાથ ધરવાની ચેતવણી આપવામાં આવી છે.

પ્લાન્ટની કામગીરીથી માંડી બિલોની ચુકવણી અને દેખરેખ સુધી અનેક મુદ્દે સવાલો ઊભા થતાં હવે નોટિસ બાદ ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટરનો ખુલાસો અને તંત્રની આગામી કાર્યવાહી પર સૌની નજર મંડાઈ છે.


Share

Related posts

વન વિભાગ દ્વારા જાંબુગોઢા અભિયારણ અને સિવરાજપુર માં કેમિકલ ખાલી કરવા માટે ના મુખ્ય સૂત્રધાર અંકલેશ્વરના ગુડડું ની ધરપકડ…

ProudOfGujarat

જન શિક્ષણ સસ્થાન ભરૂચ ખાતે ગુજરાત સ્થાપના દિવસ, રાષ્ટીય શ્રમયોગી દિવસની ઉજવણી કરાઇ

ProudOfGujarat

નેત્રંગનાં નેશનલ હાઈવે નં – ૭૫૩ B નાં માર્ગનું પેચવર્ક કરાવવા રહીશોએ આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!