વાંકલ: સુરત જિલ્લાના ઉમરપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઉમરગોટ ગામની સીમમાં પોલીસે ગેરકાયદે પશુ પરિવહન સામે કાર્યવાહી કરી છે. ઉમરપાડાથી ચવડા જતા સ્ટેટ હાઇવે પરથી મહિન્દ્રા મેક્સ પીકઅપ ગાડીમાં કથિત રીતે કતલના ઇરાદે લઈ જવાતાં 9 પશુઓને મુક્ત કરાવી પોલીસે કુલ રૂ. 2.82 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, ઉમરગોટ ગામની સીમમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસે નંબર પ્લેટ GJ-08-Z-0891 ધરાવતી મહિન્દ્રા મેક્સ પીકઅપ ગાડી અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી 4 ગાયો, 4 વાછરડાં અને 1 બળદ મળી કુલ 9 પશુઓ મળી આવ્યાં હતાં. પશુઓને પાણી અને ઘાસચારાની વ્યવસ્થા વિના ટૂંકા દોરડાથી બાંધીને ક્રૂરતાપૂર્વક લઈ જવાતાં હોવાનો પોલીસ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
પોલીસે પશુઓની અંદાજિત કિંમત રૂ. 62,000, પીકઅપ ગાડીની કિંમત રૂ. 2 લાખ અને બે એન્ડ્રોઇડ મોબાઇલ ફોનની કિંમત રૂ. 20,000 મળી કુલ રૂ. 2,82,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન ઇમ્તિયાઝખાન ફારૂખખાન પઠાણ (રહે. સેલંબા, તા. સાગબારા, જિ. નર્મદા), મોહમદ હરીશ મોહમદ રફીક મકરાણી (રહે. અક્કલકુવા, જિ. નંદુરબાર, મહારાષ્ટ્ર) અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે જાહિદ હુસેન ઉર્ફે કાલિયા જાકીર હુસેન મકરાણી (રહે. અક્કલકુવા, મહારાષ્ટ્ર)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
પોલીસે પશુ સંરક્ષણ અધિનિયમ તથા પ્રાણી ક્રૂરતા નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા સહિતની તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
