વાંકલ :
માંગરોળ તાલુકાના વાંકલથી મોસાલી જતાં માર્ગ પર ધોળીકુઇ પાટિયા નજીક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પીકઅપ બોલેરો અને મોટરસાયકલ વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, પીકઅપ બોલેરો (GJ 19 Z 2672) પશુદાણ લઈને ધોળીકુઇ ગામ તરફ જવા માટે ટર્ન લઈ રહી હતી. તે દરમિયાન સામે તરફથી આવી રહેલી મોટરસાયકલ (GJ 19 BN 2248) સાથે જોરદાર અથડામણ થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક ચાલક સાહિલ રાઠોડ (મૂળ વતન: તરસાડા, માંડવી; હાલ નિવાસ: તડકેશ્વર) ફંગોળાઈને રોડ પર પટકાયો હતો. માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતનો જોરદાર અવાજ સાંભળતા આસપાસના સ્થાનિકો અને પસાર થતા વાહનચાલકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘટનાની જાણ થતા જ વાંકલ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે નજીકની મોસાલી CSC હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
