પાલેજ :
ભરૂચ જિલ્લાના પાલેજ ગામમાં કચરાના નિકાલની સમસ્યા ગંભીર બની છે. સ્ટીલકો રોડ પર ઠાલવવામાં આવતા ટનબંધ કચરામાં રાત્રિના સમયે અજાણ્યા તત્વો દ્વારા આગ લગાવવામાં આવતી હોવાના આક્ષેપો વચ્ચે આસપાસના વિસ્તારોમાં ઝેરી ધુમાડો ફેલાતાં રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.
મળતી માહિતી મુજબ, પાલેજ ગ્રામ પંચાયત દ્વારા દરરોજ ગામમાંથી અંદાજે બે થી ત્રણ ટન કચરો એકત્રિત કરવામાં આવે છે. આ કચરો સ્ટીલકો રોડ પર ઠાલવવામાં આવતો હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. રાત્રિના સમયે કચરો સળગાવાતાં ધુમાડાના ગોટેગોટા આસપાસના રહેણાંક વિસ્તારોમાં ફરી વળે છે.
ઘરોમાં ધુમાડો ઘૂસી જતાં લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને વૃદ્ધો, નાના બાળકો અને અસ્થમાના દર્દીઓ માટે આ સ્થિતિ જોખમી બની છે. રાત્રિના સમયે બારીઓ ખોલવી પણ મુશ્કેલ બની જતાં રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોએ ગ્રામ પંચાયત અને સંબંધિત તંત્ર સામે સવાલો ઉઠાવી કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની માંગ કરી છે. સાથે જ કચરામાં આગ લગાવનારા તત્વોની ઓળખ કરી કડક કાર્યવાહી કરવામાં આવે અને લોકોને ઝેરી ધુમાડાની સમસ્યામાંથી તાત્કાલિક મુક્તિ અપાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
