૧૧૩૪ મતદાન મથક પર તાલુકા-જિલ્લા પંચાયત અને ૨૧૯ મતદાન મથક પર નગરપાલિકાની ચૂંટણી યોજાશે
ભરૂચ જિલ્લાના ચૂંટણી વિભાગે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપ્યો
ભરૂચ.
ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગની ટીમ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવાની કવાયતમાં છે.ત્યારે શુક્રવારે સાંજે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની તૈયારીઓને લઈને કલેક્ટરની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે ચૂંટણીની તૈયારીઓને લઈને કરેલી તમામ કામગીરીનો ચિતાર આપ્યો હતો. તેમણે જણાવ્યું હતુ કે, જિલ્લા ૧ એપ્રિલે ચૂંટણીની જાહેરાત થઈ હતી. જેમાં ૧૫મીએ ફોર્મ પરત ખેંચવાની પણ કાર્યવાહી થઈ ગઈ છે. ત્યારે હાલમાં કુલ ૧૨ ઉમેદવારો બિનહરીફ વિજેતા થયાં છે. ત્યારે બાકીના ઉમદવારોને રવિવારે મતદારો તેમના મતદાન આપી પોતાનું ભાવી સુરક્ષિત કરવાનો પ્રયાસ કરશે.
ભરૂચ જિલ્લા પંચાયતની ૩૪, ૯ તાલુકા પંચાયતની ૧૮૨ બેઠક તેમજ ૪ નગરપાલિકાની ૧૩૨ સભ્યોની ચૂંટણી રવિવારે યોજનાર છે. સવારે ૭થી સાંજના ૬ વાગ્યા સુધી ચાલનારા મતદાનમાં કુલ ૧૦,૬૭,૯૧૪ મતદારો કુલ ૩૪૮ બેઠક પર ઉમેદવારી કરનારા ૯૫૦ ઉમેદવારોનું ભાવી નક્કી કરશે. ત્યારે ચૂંટણી વિભાગે પણ ચૂંટણીની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. ચૂંટણીની કામગીરીના સુચારુ સંચાલન માટેની વિવિધ કામગીરી માટે ૧૫ નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. ઉપરાંત જિલ્લામાં સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકોની પણ સ્કૃટિનિ કરવામાં આવતાં જિલ્લામાં કુલ ૩૭૮ સંવેદનશીલ અને ૩૧૦ અતિ સંવેદન શીલ મતદાન મથકો નક્કી કરવામાં આવ્યાં છે. જેમાં જિલ્લા પંચાયત અને ૯ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ૩૩૦ સંવેદનશીલ અને ૨૧૨ અતિસંવેદન શીલ મતદાન મથક જાહેર કરાયાં છે. જ્યારે ૪ નગરપાલિકા વિસ્તારોમાં ૪૮ સંવેદનશીલ અને ૯૮ અતિ સંવેદનશીલ મતદાન મથકો નક્કી કરાયાં છે.
જિલ્લામાં આચારસંહિતા ભંગની ૫ ફરિયાદ નોંધાઈ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી રવિવારે મુક્ત, ન્યાયી, તટસ્થ અને પારદર્શિતા સાથે સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી ગૌશંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી માટે જિલ્લામાં કુલ ૬૬૬૩ સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. જિલ્લામાં આચાર સંહિતા ભંગની કુલ પ ફરિયાદ ચૂંટણી વિભાગને મળી છે. જેનો વિગતવાર અહેવાલ રાજ્ય ચૂંટણી આયોગને મોકલાયો છે.
