ભરૂચ:
ઉનાળુ વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓનો ફુરસદનો સમય સદુપયોગી બને અને તેમના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળે તે હેતુથી ભરૂચ સ્થિત ડૉ. ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે ચાર દિવસીય સમર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાઈને આનંદ સાથે શીખવાનો અનોખો અનુભવ મેળવ્યો હતો.
શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં દરરોજ અલગ-અલગ થીમ પર આધારિત કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. પ્રથમ દિવસે ‘પરિચય દિવસ’ અંતર્ગત વિદ્યાર્થીઓ વચ્ચે ઓળખાણ અને સહકારની ભાવના વિકસાવવામાં આવી હતી. ત્યારબાદ યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પોતાની કલ્પના અને સર્જનાત્મકતા રંગો દ્વારા વ્યક્ત કરી હતી.
કેમ્પ દરમિયાન ‘સંસ્કાર દિવસ’ની ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો અને સારા સંસ્કારોનું સંવર્ધન કરવામાં આવ્યું હતું. જ્યારે ‘રમત દિવસ’ અંતર્ગત વિવિધ મેદાની રમતો દ્વારા વિદ્યાર્થીઓમાં શારીરિક તંદુરસ્તી, ટીમ વર્ક અને રમતિયાળ ભાવના વિકસાવવામાં આવી હતી.
શાળા પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, સમર કેમ્પનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સ્કિલ ડેવલોપમેન્ટ સાથે તેમની અંદરની પ્રતિભાને ઉજાગર કરવાનો હતો. માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું ન રાખીને, સહ-પાઠ્ય પ્રવૃત્તિઓ દ્વારા જીવનલક્ષી કૌશલ્યો વિકસે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું.
ચાર દિવસ સુધી ચાલેલા આ સમર કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ આનંદ સાથે શીખવાનું સંયોજન અનુભવ્યું હતું, જેને કારણે તેમનું વેકેશન યાદગાર બની રહ્યું છે.
