મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે વડોદરાને ઐતિહાસિક નગરી, કલા નગરી તરીકેની ઓળખ અપાવી પરંતુ વડોદરા પાલિકાના સત્તાધીશો મહારાજાએ આપેલી અમૂલ્ય ધરોહરની જાળવણી કરવાનું ચુકી ગયા હોય તેમ લાગી રહ્યું છે. મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની કાળાઘોડા સ્થિત પ્રતિમા તંત્રની બેદરકારીની વાસ્તવિકતા છતી કરતી હોવાના દૃશ્યો સામે આવ્યા છે.
‘કાલાઘોડા’ આજના લોકો માટે આ શબ્દ એક વિસ્તાર છે. આઠ ફૂટ ઊંચા પ્લેટફોર્મ પર ઊભેલી અશ્વ પર સવાર સયાજીરાવના શાહી અંદાજને પ્રસ્તુત કરતી પ્રતિમા પોતાના પ્રજા વત્સલ રાજવી પ્રત્યેની કૃતજ્ઞતાની લાગણી અને સન્માનનું ચિર સ્મરણિય પ્રતીક છે. પ્રતિમાના પ્લેટફોર્મ ઉપર મહારાજાના જન્મદિવસની અને રાજ્યારોહણ દિવસની માહિતી છે. આવતીકાલે 11 મી માર્ચે સર સયાજીરાવની જન્મજયંતિ છે. વડોદરા શહેરને સમગ્ર વિશ્વમાં સંસ્કારી નગરી, કલા નગરી, ઐતિહાસિક નગરી તરીકે ઓળખવામાં આવે છે. શહેરને આ તમામ ઓળખ આપવા પાછળ શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડનો સિંહ ફાળો રહ્યો છે. પરંતુ આજ શહેરના મહારાજાનું અપમાન થતું હોય તેવા દ્રશ્યો આજે જોવા મળ્યા હતા. કાલાઘોડા સ્થિત આવેલી મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમા દયનિય સ્થિતિમાં જોવા મળી રહી છે. યોગ્ય જાળવણી ન થવાના કારણે પ્રતિમા પર લીલ બાજી ગઈ છે તેમજ કલર ઉખડી ગયો છે જેના કારણે વડોદરાવાસીઓમાં રોષની લાગણી જોવા મળી છે. અગાઉ સમયાંતરે પ્રતિમાઓની સાફસફાઈના બણગાં કોર્પોરેશને ફૂંક્યા હતા. જેથી વહેલી તકે પ્રતિમાઓની સાફસફાઈ સાથે જાળવણીની માંગ સામાજિક કાર્યકર્તા અને આરટીઆઇ એક્ટિવિસ્ટ અતુલભાઇ ગામેચીએ કરી છે.