શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત દાહોદ તાલુકામાં આવેલ મોટી ખરજ ભાભોર ફળીયા પ્રાથમિક શાળા, બ્રહ્મખેડા ઉતરા ફળીયા પ્રાથમિક શાળા અને રાહડુંગરી પ્રાથમિક શાળાના બાળકોને બારીયાના, આઈ.એફ.એસ આર.એમ.પરમાર દ્વારા આજરોજ પહેલા ધોરણમાં પ્રવેશ અપાવ્યો સાથે સાથે આંગણવાડીના નાના ભૂલકાઓને પણ પ્રવેશ અપાવ્યો હતો. આ કાર્યક્રમમા સી.આર.સી મહેશભાઈ તાવીયાડ તેમજ શાળાના આચાર્ય સહિત તમામ સ્ટાફગણ ગામના સરપંચો, એસ.એમ.સી કમિટીના સભ્યો, ગ્રામજનો હાજર રહયા હતા.
મોટી ખરજના સરપંચ રમેશભાઈ ભાભોર, જીલ્લા સભ્ય મહેન્દ્ર ભાભોર, માજી તાલુકા સભ્ય ભરતભાઈ ખપેડ અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે બારીયાના આઈ.એફ.એસ આર.એમ.પરમાર દ્વારા શાળામાં વધુને વધુ બાળકો પ્રવેશ મેળવે તે માટે સરકારના પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની સમજ આપી હતી અને આ બાબતે વાલીઓ જાગૃત થાય તેમના બાળકોનું નામાંકન કરાવે અને બાળકો નિયમિત સ્કૂલે આવે તે માટે પોતાની જવાબદારી નિભાવે. સાથે શાળાના શિક્ષકો પણ નવા નામાંકન થયેલ બાળકો ને તેને અનુરૂપ વાતાવરણ ઊભું કરે અને બાળકોને અનુરૂપ વાર્તા, રમત, અભિનય અને નાટક સ્વરૂપે શિક્ષણ આપે જેથી બાળકો સ્કૂલે આવવાનું પસંદ કરે તેમજ વાલીઓ ઘરમાં વ્યસન મુક્ત રહે જેથી બાળકો પણ આવી કુટેવોથી દુર રહે. કુમળા છોડને જેમ વાળો તેમ વળે શાળા એક વિદ્યામંદિર છે તેમ ઘર પણ એક મંદિર છે પવિત્ર વાતાવરણ ઉભું કરવામાં આવે અને બાળકોમા સારા સંસ્કાર આવે તેવા પ્રયત્નો કરવામાં આવે તેમ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું.
આઝાદી કા અમૃત મહોત્સવ વિશે શાળા બાળકો એ પોતાનું વ્યક્તવ્ય રજૂ કર્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પંચોતેર અઠવાડિયાના ઉજવણી ભાગરૂપે આઈ.એફ.એસ આર.એમ.પરમારે કહ્યું કે સરકાર દ્વારા દરેક જિલ્લામાં નમો વડ વન શરૂઆત પણ કરવામા આવી છે. દાહોદ જિલ્લામાં બાવકા મુકામે નમો વડ વન 75 વડ ના વૃક્ષોનું વાવેતર કરવામા આવશે. હાજર રહેલા ગ્રામજનોને વધુને વધુ વૃક્ષો વાવેતર કરી તેનો ઉછેર કરવા હાકલ કરી હતી. ખેડૂતોને રોપાના વાવેતર માટે વન વિભાગ તરફથી વળતરની યોજનાની વાત કરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા ખાતાકીય નર્સરી પરથી રોપા વિનામૂલ્યે આપવામાં આવશે. વડ, પીપળો, લીમડો જેવા વૃક્ષો વધુ ઓક્સિજન આપે છે તેવા વૃક્ષોનું વાવેતર કરી ઉછેરવા માટે ગ્રામજનોને અપીલ કરવામાં આવી હતી. કોરોનાની મહામારીને યાદ કરતાં આઈ.એફ.એસ આર.એમ.પરમારે ઉમર્યું કે વૃક્ષો આપણને વિના મૂલ્યે પ્રાણવાયુ આપે છે. ફળ, ફૂલ, છાંયડો, બળતણ, ઇમારતી લાકડું,વિવિધ ઔષધીય આપે છે. આવા પરોપકારી વૃક્ષોના ઉછેર કરવા માટે ભાર મુકવામાં આવ્યો હતો. અંતે હાજર મહાનુભવોને પર્યાવરણની સાચવણી, જાળવણી કરવા માટે કહેવામાં આવ્યું હતું.
દાહોદ રાજુ સોલંકી