Proud of Gujarat
FeaturedGujaratINDIA

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી નદીઓમાં પુર- મુશળધાર મેઘવર્ષાને લઇને જનજીવન અસ્તવ્યસ્ત.

Share

રાજ્યમાં વિતેલા પાંચેક દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદને લઇને સ્વાભાવિક તેની અસર જનજીવન પર જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં પણ તમામ જીલ્લાઓમાં અનરાધાર મેઘવર્ષાને લઇને નદીઓમાં પુરની સ્થિતિ જોવા મળી છે. ભરૂચ જીલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ હાલ મેઘવર્ષા ચાલુ હોવાના અહેવાલ સામે આવ્યા છે. ત્યારે નર્મદા જીલ્લામાં પણ વ્યાપક વરસાદ નોંધાયો છે. જોકે ઉપરવાસમાં નહિવત વરસાદને લઇને કેવડીયા સ્થિત નર્મદા ડેમનું પાણીનું લેવલ સામાન્ય સ્થિતિમાં હોવાનું જાણવા મળ્યું છે. આજરોજ સવારના દસ વાગ્યા દરમિયાનની ડેમની સ્થિતિની વાત કરીએ તો પાણીનું લેવલ ૧૧૭.૨૫ મિટર તેમજ પાણીની આવક ૫૬૧૮૩ ક્યુસેક રહેવા પામી છે. છોટાઉદેપુર, વડોદરા, નર્મદા તેમજ ભરૂચ જીલ્લામાં વિતેલા સપ્તાહ દરમિયાન થઇ રહેલા ભારે વરસાદને લઇને છોટાઉદેપુરની ઓરસંગ નદી સહિતની આ જીલ્લાઓમાં વહેતી નાનીમોટી બધી નદીઓ પાણીથી છલકાઇ રહી છે. નર્મદાને મળતી નદીઓનું પાણી નર્મદામાં ઠલવાઇ રહ્યુ છે તેમજ નર્મદા કાંઠા વિસ્તારમાં થઇ રહેલ ભારે વરસાદનું પાણી પણ નર્મદામાં આવી રહ્યું છે, તેને લઇને હાલ નર્મદા બે કાંઠે વહી રહી છે. હાલ પણ વરસાદ વરસી રહ્યો છે. જો આજ સ્થિતિ રહેશે તો નર્મદા નદીના પુરના પાણીની અસર કિનારાના નીચાણવાળા ગામોને થવાની સંભાવના પણ રહેલી છે. દક્ષિણ ગુજરાતના અન્ય જીલ્લાઓની વાત કરીએ તો છેલ્લા પાંચ છ દિવસથી થઇ રહેલ મુશળધાર વરસાદને લઇને સુરત સહિત દક્ષિણ ગુજરાતના અન્ય જીલ્લાઓના ઘણા માર્ગોનું ધોવાણ થયુ છે.

નર્મદાની જેમ જ દક્ષિણ ગુજરાતની તાપી, અંબિકા, કાવેરી, ઔરંગા ખાપરી, દમણગંગા સહિતની અન્ય નદીઓ બે કાંઠે વહી રહી છે. આ અંગે વિસ્તારથી વાત કરીએ તો સુરત જિલ્લાના ઉમરપાડામાં ગઇકાલે ચાર કલાક દરમિયાન ૧૪ ઇંચ જેટલો ભારે વરસાદ થતાં તેને પગલે કેટલાક માર્ગો બંધ કરાયા હતા, વલસાડના ઘણા વિસ્તારોમાં પણ વરસાદના પાણી ફરી વળ્યા હતા. દરમિયાન મધુબન ડેમમાંથી વિપુલ પ્રમાણમાં પાણીનો જથ્થો દમણ ગંગા નદીમાં છોડવામાં આવતા પરિસ્થિતિ ગંભીર બની રહી હોવાની વાતો સામે આવી છે. તંત્ર દ્વારા કપરાડા, વાપી અને ઉમરગામના ૪૦ જેટલા ગામોને એલર્ટ કરાયા છે. ભારે વરસાદથી વલસાડ અને નવસારી જિલ્લામાં તેની અસર જનજીવન પર જોવા મળી હતી. અનરાધાર મેઘવર્ષાને લઇને અનેક વિસ્તારો બેટ સમાન બની ગયા છે.

મળતી વિગતો અનુસાર ગતરોજ ઓલપાડમાં અઢી ઇંચ, કામરેજમાં બે ઇંચ, ચોર્યાસી એક ઇંચથી વધુ, પલસાણા ત્રણ ઇંચ, બારડોલી બે ઇંચ, મહુવા સાડા ત્રણ ઈંચ, માંગરોળ સવા છ ઇંચ, માંડવી ચાર ઇંચ અને સુરત શહેરમાં પોણો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. નવસારીની વાત કરીએ તો ખેરગામ આઠ ઇંચ, ગણદેવી સવા ચાર ઇંચ, ચીખલી પોણા નવ ઈંચ, જલાલપોર સવા બે ઈંચ, નવસારી સવા ચાર ઇંચ અને વાંસદા છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. નવસારીમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ હતું, અને કેટલાક અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. ઉપરાંત ડાંગ જિલ્લામાં પણ મુશળધાર વરસાદને લઇને ગઇકાલની વાત કરીએ તો આહવામાં સાડા દસ ઇંચ, વઘઇમાં ૯ ઇંચ, સુબીરમાં ૧૨ ઇંચ તેમજ સાપુતારામાં ૧૧ ઇંચ જેટલો વરસાદ થયો હતો. ભારે વરસાદથી ડાંગ જિલ્લામાંથી વહેતી નદીઓમાં પણ પુરની સ્થિતિ દેખાય છે. જ્યારે તાપી જિલ્લામાં પણ વ્યાપક વરસાદ થઇ રહ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતમાં કેટલાક ઝુંપડાઓ તેમજ કાચા મકાનોને પણ નુકશાન થયું છે. વિતેલા સપ્તાહ દરમિયાન રાજ્યમાં થઇ રહેલ વ્યાપક વરસાદને લઇને ૧ જૂનથી અત્યારસુધીમાં સુધી કુલ ૬૩ લોકોના મોત થયા છે, જે પૈકી ૩૩ વીજળી પડવાથી, આઠ દિવાલ પડવાના કારણે, ૧૬ પાણીમાં ડૂબી જવાથી, પાંચ ઝાડ પડવાથી તેમજ એક વીજળીનો થાંભલો પડવાથી થયા હોવાની વિગતો જાણવા મળી છે. ઉપરાંત ૨૭૨ જેટલા પશુઓના પણ મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ લખાય છે ત્યારે હાલ ભરૂચ જીલ્લાના ઝઘડિયા સહિતના અન્ય પ્રદેશોમાં વરસાદ ચાલુ છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

ભરૂચ : દહેજ બાયપાસ રોડ ઉપર ટ્રાન્સફોર્મર ભડકે બળ્યું, આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો

ProudOfGujarat

ભરૂચ જુવેનાઈલ હોમ ખાતેથી ૨ બાળકો ગુમ થયા.જાણો ક્યાં અને કેવી રીતે ?

ProudOfGujarat

A Great Feedback From an Army Veteran on Supreme Court’s Order on Human Rights in Kashmir

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!