ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી ગઇ તેમ તેમ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિનું સંગઠન જાણે કે વેર વિખેર થતું જોવા મળ્યુ છે. સ્વ. અહેમદ પટેલના નિધન બાદ યોજાનાર પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી દિશા વહિન બની હોય તેમ ચર્ચાઈ રહ્યું છે, અગાઉ જિલ્લા પ્રમુખ સામે નારાજગીને લઇ અનેક હોદ્દેદારોએ પાર્ટીમાંથી રાજીનામુ આપ્યું તો હવે ટીકીટ વહેંચણીની બાબતને લઇ પાર્ટીમાં અસંતોષ સામે આવ્યો છે.
અંકલેશ્વરના કોંગ્રેસ અગ્રણી મગન પટેલ (માસ્ટરે) અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા બેઠક પર પાર્ટી દ્વારા ટીકીટ વહેંચણીના મુદ્દે નારાજગી વ્યક્ત કરી જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રાણાને પોતાના સમર્થકો સાથે રાજીનામાં ધરી દેતા રાજકીય માહોલ ગરમાયો છે. મગન પટેલે રાજીનામું આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી એ ટીકીટ વહેંચણીમાં પાર્ટીની વિચાર ધારાને નેવે મૂકી છે, તેમજ સ્વ અહેમદ પટેલના નિધન બાદથી પાર્ટીની વિચાર ધારા અલિપ્ત થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે.
વધુમાં મગન માસ્ટર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે જિલ્લાના પ્રદેશ કક્ષાએ એક ભ્રષ્ટાચારી નેતા તે આ જિલ્લાનું વહીવટ કર્તા હોય અને બધાને ટીકીટ અપાવવાની વાત કરતા હોય તેવા લોકોના હાથમાં જ્યારે પ્રદેશ અને જિલ્લાનું વહીવટ ગયું હોય તે બાબતે મને દુઃખ છે તેના કારણે મેં કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દા અને સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે.
વધુમાં તેઓએ કોંગ્રેસ સમિતિના પ્રદેશ નેતા સંદીપ માંગરોલાના નામનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે ગણેશ સુગરના માજી ચેરમેન દ્વારા ૧૮૦૦૦ ખેડૂતોના ૮૫ કરોડના કૌભાંડમાં તેઓ જેલમાં જઇ હાલ જામીન પર છે તેવા લોકોને પ્રદેશ કક્ષાએ મહામંત્રી બનાવવામાં આવ્યા છે તેવી બાબતોનો ઉલ્લેખ કરી પાર્ટી ઉપર રાજીનામું આપ્યા બાદ આકરા પ્રહાર કર્યા હતા.
અત્રે મહત્વની બાબત છે કે મગન પટેલ (માસ્ટર) દ્વારા રાજીનામું અપાયાને ગણતરીના જ કલાકોમાં તેઓ કમલમ ખાતે કેસરિયા ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તેવી અટકળો પણ વહેતી થઇ છે, ત્યારે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા વિસ્તાર ખાતે કોંગ્રેસમા ભાજપે મોટું ગાબડું પાડવામાં સફળતા પ્રાપ્ત કરી હોય તેમ રાજકીય ક્ષેત્રે ચર્ચાઈ રહ્યું છે.
હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744