ભરૂચ જિલ્લામાંથી પસાર થતા વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે ની કામગીરી જ્યાં એક તરફ પૂર જોશમાં ચાલી રહી છે, તો બીજી તરફ કામગીરીમાં જમીન સંપાદનનો મુદ્દો પણ તંત્ર માટે માથાના દુખાવા સમાન બન્યો છે, જમીન સંપાદન થઈ રહેલા ખેડૂતો વળતરની માંગ સાથે આંદોલનના માર્ગે ચઢ્યા છે, તંત્ર દ્વારા યોગ્ય વળતર ચૂકવવા માટેના આશ્વાશનો અપાઈ રહ્યા છે તો બીજી તરફ ખેડૂતોના મુદ્દે રાજકીય માહોલ પણ હવે વેગ પકડી રહ્યો છે.
ગતરોજ જિલ્લાના ખેડૂતો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની હાજરીમાં ખેડૂત આગેવાનો સાથે બેઠક કરી 600 રૂપિયાની આસપાસ જિલ્લાના ખેડૂતોની જમીનનું વળતર ચૂકવવા પ્રયાસ કરાશે એવી વાતો સામે આવી હતી, જે બાદ કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા દ્વારા આ નિર્યણને ખેડૂતો સાથે છેતરપિંડી સમાન હોવાનું ગણાવ્યું છે, અને મુખ્યમંત્રી અને સાંસદને પત્ર લખી જિલ્લા કલેકટરના માધ્યમથી રજુઆત કરી છે.
સંદીપ માંગરોલા એ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે તેઓ સુધી ખેડૂતોની રજુઆતો આવી રહી છે અને જમીન સંપાદન અધિનિયમ 2013 ની જોગવાઈ મુજબ ખેડૂતોને વળતર ચૂકવવા માંગ કરાઈ રહી છે, આ જોગવાઈ મુજબ બજાર કિંમત કરતા ચાર ઘણી કિંમત ખેડૂતોને ચૂકવવાની થાય છે, ગઈ કાલે યોજાયેલ બેઠકમાં જૂજ ખેડૂતોની હાજરીમા 600 રૂપિયાની સહમતી કરવાનો પ્રયાસ નિંદનીય અને પૂર્વ આયોજીત હોય એવુ લાગે છે, જન પ્રતિનિધિઓએ પણ 2013 ના કાયદા મુજબનું વળતર અપાવી પોતાની નૈતિક ફરજ અદા કરવાની જરૂર છે, એમાં કોઈ ખેડૂતને ઉપકાર કરવાનો નથી તેમ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ મુદ્દે કોંગ્રેસ દ્વારા પણ અનેક રજુઆત છતાં બેઠકમાં કોંગ્રેસના પ્રતિનિધિને કેમ હિસ્સેદાર કેમ ન બનાવાયા..? જિલ્લાના જમીન સંપાદન મુદ્દે જૂજ ખેડૂતો અને જનપ્રતિનિધિઓ સાથે શું “કુલદીપમાં ગોળ ભાંગી” ખેડૂતોને સત્તાના જોરે જો હુકમી ચલાવાઈ રહી છે તેનો ખુલાસો માંગવામાં આવ્યો હતો.
સાથે જ તેઓએ ઉલ્લેખ કર્યો હતો કે જુદા જુદા ગામોના જમીન સંપાદનના આર્બીટ્રેશનના હુકમો અલગ અલગ ભાવથી કરાયેલ છે, જે તર્ક હીન છે, જેમાં મોટી વિસંગતતાઓ જોવા મળે છે, અત્યારે 600 રૂપિયાના નીચા સમાન વળતરની જિલ્લાના તમામ ગામને ચૂકવવાની વાત વાહિયાત અને અન્યાયકર્તા છે, જે તમામ ખેડૂતોને જમીન સંપાદન અધિનિયમ 2013 હેઠળ ખેડૂતો ને નિયમ અનુસાર બજાર ભાવના ચાર ઘણા વળતર ચૂકવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ સંદીપ માંગરોલા દ્વારા કરાઈ હતી.