વડોદરા શહેરના પાણીગેટ બરાનપુરા વાડી વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી ગંદુ પાણી આવવું સામાન્ય બાબત થઈ ગઈ છે એટલું જ નહીં નળમાંથી અનેક જગ્યાએ અળસિયા કે પછી અન્ય જીવાત અવારનવાર નીકળતા હોવાના કિસ્સા પણ બહાર આવ્યા છે સાથે સાથે રોગચાળાની શરૂઆત પણ થઈ છે.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ઓછું પાણી ધોળું પાણી ગંદુ પાણી આવતી હોવાની રોજની 7000 થી વધુ ફરિયાદો કોર્પોરેશનને મળતી હોય છે પરંતુ કોર્પોરેશન નું તંત્ર આ ફરિયાદો નિકાલ કરવામાં વિલંબ કરતી હોવાને કારણે રોગચાળો પણ ફેલાતો રહેતો હોય છે ત્યારે કેટલીક જગ્યાએ જૂની પાઇપલાઇનનો અને ડ્રેનેજની લાઈનો નજીક નજીક હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બનતી હોય છે.
વડોદરા શહેરના બરાનપુરા જાસુદ મોહલ્લા પાણીગેટ બાવામાનપૂરા,તાઈવાડા ખત્રીપોળ,વાડી રંગમહલ, ગોયા દરવાજા હરીજન વાસ વિગેરે વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી ગંદુ પાણી આવવાની શરૂઆત થઈ હતી તે બાદ છેલ્લા બે દિવસથી કાળું ગંદુ પાણી આવી રહ્યું છે જે અંગે સ્થાનિક રહીશોએ કોર્પોરેશનમાં અવારનવાર ફરિયાદો કરી છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવી નથી એટલું જ નહીં આજે તો બરાનપુરા જાસુદ મહોલ્લામાં એક મકાનના પાણીના નળમાંથી પાણી સાથે ચારથી પાંચ અળસિયા નીકળ્યા હતા.
શહેરના કેટલાક વિસ્તારોમાં લોકો કાળા પાણીની સજા ભોગવી રહ્યા છે તો બીજી બાજુ હવે અળસીયા અને જીવજંતુ વાળું પાણી આવતું થતાં રોગચાળાનો ભય પણ રહેલો છે ત્યારે કોર્પોરેશનનું તંત્ર પાણી ઉકાળીને પીવાની સલાહ આપીને છટકી જાય છે તેની સામે સ્થાનિક રહીશોને બહારથી વેચાતું પાણી ખરીદ કરવાનો વારો આવે છે.