છેલ્લા બે ત્રણ દિવસથી નર્મદા જિલ્લામાંભારે ઉકળાટ ગરમીનો માહોલ હતો અને વરસાદ ખેંચાઈ જતો હતો. ક્યાંક હળવા ઝાપટા પડતા હતા.પરંતુ આજે સવારે રાજપીપળા સહીત નર્મદા જિલ્લાના પાંચેય તાલુકામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
રાજપીપળામાં આજે સવારથી જ વરસાદ મન મૂકીને વરસી રહ્યો હતો જેને કારણે રાજપીપળામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સારા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લોકોને ગરમીથી રાહત થઈ હતી.
રાજપીપળામાં કાછીયા વાડનો ઢોળના નીચાણ વાળા વિસ્તારમાં તથા સફેદ ટાવર, દરબાર રોડ,નાગરિક બેંક પાસે ઠેર ઠેર પાણી ભરાયા હતા. અહીના મુખ્ય માર્ગ રોડ નદીપટમાં ફેરવાઈ ગયો હતો જેને કારણે વાહન ચાલકોને વાહનો ચલાવવામાં ભારે મુશ્કેલી પડતી હતી. આજે નર્મદામાં સારો ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
મોટાભાગના ખેડૂતોએ વાવણી કરી દીધી હતી. અને સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા. આજે સારો વરસાદ થતાં ખેડૂતો ગેલમાં આવી ગયા હતા.
રાજપીપળામાં સવારથી સતત વરસાદ વરસતો હોવાને કારણે કરજણ નદી અને નર્મદા નદીમાં પાણીની આવક શરૂ થઈ હતી. કરજણ ડેમ અને નર્મદા ડેમમાં પણ પાણીની આવક જોવા મળી હતી.