વડોદરાના ભાયલી ગામના આંબેડકરનગરમાં મોડી રાત્રે 9 ફૂટ લાંબી એક મગરી લટાર મારવા આવી પહોંચતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, વન વિભાગની ટીમને જાણ કરાતા ટીમે એક કલાકની ભારે જહેમત બાદ મગરીનું રેસ્ક્યૂ કર્યું હતું. આંબેડકરનગરની પાછળથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગર પરિવાર હોવાની આશંકાએ હાલ પણ સ્થાનિકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
વન વિભાગે જણાવ્યું કે, વિશ્વામિત્રી નદીમાં એક 11 ફૂટનો મગર, 9 ફૂટની મગરી અને 4 થી 5 ફૂટના બે બચ્ચા ફરી રહ્યા છે. આ પરિવાર પૈકી મગરીનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. 9 ફૂટની મગરીનું રેસ્ક્યૂ કરવા માટે વન વિભાગની ટીમને ભારે જહેમત કરવી પડી હતી. ગામજનોની મદદથી વન વિભાગે ચારે બાજુથી દોરડાથી ગાળીયો કરીને મગરીને કાબૂમાં લીધી હતી. જો કે, મગરીએ પણ બચવા માટે તમામ પ્રયાસ કર્યા હતા. મગરીના રેસ્ક્યૂને જોવા માટે નગરના લોકોની ભારે ભીડ ઉમટી હતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા ઘણા સમયથી મગર પરિવાર ગામમાં આંટાફેરા મારી રહ્યું છે. અવાર-નવાર બે મોટા મગર અને બે બચ્ચા આંબેડકર નગરમાં આવી પહોંચે છે અને ઘરના દરવાજા બહાર બેસી જતા હોવાથી ગામના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. જોકે, હાલ મગરીનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે, જ્યારે મગર અને તેના બે બચ્ચા હાલ પણ પકડથી દૂર છે.