ભરૂચના જુના નેશનલ હાઇવે 8 ઉપર આવેલ ઘી ભરૂચ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડ દૂધ ધારા ડેરીમાં હજારોની કિંમતના પનીર અને અમુલ ગોલ્ડ દૂધ સગેવગે કરવાનું કૌભાંડ સામે આવતા ભારે ચકચાર મચ્યો છે, જે બાદ મામલે દૂધધારા ડેરીના જુનિયર ક્લાર્ક દ્વારા ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે પાંચ જેટલાં ઈસમો સામે ગુનો દાખલ કરાવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ દૂધધારા ડેરીમાં જ્યાંથી ગાડીઓ ભરાય છે ત્યાંથી આઈસર ટેમ્પો નંબર GJ 02 VV 8924 માં દૂધની વસ્તુઓ ભરી લઈ જવાતી હતી દરમ્યાન ડેરીના સિક્યુરિટી સ્ટાફ દ્વારા ટેમ્પોને ચેક કરતા તેમાં દૂધ સંબંધિત જે બિલમાં વસ્તુઓ હતી તેના કરતા વધુ પનીરના ત્રણ બોક્સ તેમજ અમુલ ગોલ્ડના બે કેરેટ મળી આવતા સમગ્ર સગેવગેનું કૌભાંડ સામે આવ્યું હતું.
સમગ્ર મામલે ડેરી સંચાલકો દ્વારા દૂધ ડીસ્પેચનું કામ કરતી એલ્મેક એજન્સી સહિત દૂધધારા ડેરીમાં માલ ડીસ્પેચનું કામ કરતા (1) સૈફ શહીદ ખાન રહે, ખાન ફળિયું, કેરવાડા આમોદ (2) અકીમ સલીમ પટેલ રહે. ટાંકી ફળિયું અંકલેશ્વર (3) જીગ્નેશભાઈ નરેશભાઈ વસાવા રહે. ઘી કોડિયા ભરૂચ ટેમ્પો ડ્રાઇવર વિશાલભાઈ પટેલ અને (5) લોડર ગૌરવ નાઓ સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી, જે બાદ મામલે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી ડેરીના સીસીટીવી ફૂટેજ ચકાસી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.