મેટરીમોનિયલ વેબસાઈટ પર મહિલાની પ્રોફાઈલ મેચ થતાં વાતચીત શરૂ થઈ હતી
વોટ્સએપ મેસેજ પર ઈકોમર્સ વેબસાઈટ પર ખરીદ વેચાણ કરી સારૂ કમિશન મેળવવાની લાલચ આપી હતી
। ભરૂચ ।
ભરૂચના શક્તિનાથ પાસે આવેલા આનંદ નગર ખાતે રહેતા અને દહેજની એક કંપનીમાં મિકેનીકલ એન્જીનીયર તરીકે ફરજ બજાવતા મેહુલ કનુભાઈ પ્રજાપતિએ લગ્ન માટે ગુજરાતી સંગમ નામની મેટરીમોનિયલ સાઈટ પર પ્રોફાઈલ બનાવી હતી. દરમ્યાન ૪ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ આરોશી અગ્રવાલ નામની પ્રોફાઈલ સાથે તેમની પ્રોફાઈલ મેચ થતાં બંન્ને વોટ્સએપ મેસેજ કરી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.
લાંબા સમય સુધી વોટ્સએપ પર વાતચીત કર્યા બાદ આરોશી અગ્રવાલે તેમને COSTCOP STORE નામની ઈકોમર્સ વેબસાઈટ પર ખરીદ-વેચાણ કરી સારૂ કમિશન મેળવી શકાય છે તેમ જણાવતા તેમણે ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ ૪૯૮ ડોલરનો ઓર્ડર લીધો હતો. જેમાં તેમને કમિશન સાથે ૫૪૮ ડોલર મળ્યા હતા જેમાંથી તેમણે ૩૦ ડોલર પોતાના ખાતામાં વિદ્રો કર્યા હતા. રૂપિયા પરત મળે છે તેવો વિશ્વાસ થતા તેમણે તબક્કાવાર રીતે અલગ અલગ ૧૦ બેંક એકાઉન્ટમાં કુલ ૩૭ લાખ જેટલી રકમ જમા કરાવી હતી. જો કે બાદમાં તેમની સાથે ઠગાઈ થઈ હોવાનુ તેમને માલુમ પડતા ભરૂચ સાયબર કાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમના પીઆઈ વી.બી.બારડ તેમજ તેમની ટીમે તપાસનો દોર શરૂ કરતા ઠગાઈમાં રાજકોટના અરજણ ઉર્ફે અજય વિઠ્ઠલભાઈ આસોદરિયાની સંડોવણી હોવાનું માલુમ પડયુ હતુ. પોલીસે અરજણની ધરપકડ કરતા ચોકાવનારો ઘટસ્ફોટ થયો છે. તેણે અલગ અલગ લોકોના એકાઉન્ટ બનાવી તેમા રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હોવાનું પ્રાથમિક તબક્કે માલુમ પડયુ હતુ. પોલીસે મામલામાં સંડોવાયેલા અન્ય આરોપીઓના સગડ મેળવવાની કવાયત હાથ ધરી હતી.
અરજણ ઉર્ફે અજય લોન કન્સ્લટન્ટનું કામ કરે છે છેલ્લા ૧૦ વર્ષથી રાજકોટ ખાતે રહેતો અરજણ ઉર્ફે અજય આસોદરીયા જસદણનો વતની છે તેણે કોમર્સ ફેકલ્ટીમાં સ્નાતકની ડીગ્રી મેળવી છે. ૧૦ વર્ષ ઉપરાંતથી તે લોન કન્સલટન્ટ તરીકે કામ કરે છે. વર્ષ ૨૦૨૩ માં રાજકોટના એક સાયબર ક્રાઈમના કેસમાં તેની ધરપકડ થઈ હતી જે કેસમાં તે રાજકોટ જેલમાં હતો ત્યારે જયદીપ વાડોલીયા નામના સાયબર કાઈમના આરોપી સાથે તેની મુલાકાત થઈ હતી. જેલમાંથી નીકળ્યા બાદ અરજણ ઉર્ફે અજયે તેને ૩૨ જેટલા બેંક એકાઉન્ટ પુરા પાડયા હતા. એક સેવીંગ એકાઉન્ટ પર તેને ૧૧ હજાર રૂપિયાનું કમિશન મળતુ હતુ.
અજય ગરીબ લોકોને ટાર્ગેટ કરતો હતો ૧૦ વર્ષથી અરજણ ઉર્ફે અજય તેની પત્ની અને પુત્ર સાથે રાજકોટમાં અલગ અલગ જગ્યાએ રહેતો હતો. અરજણ ઉર્ફે અજય શાકભાજી વેચતા, ડ્રાઈવીંગ કામ કરતા તેમજ રોજમદાર તરીકે કામ કરતા લોકોને અને તેમાં પણ ખાસ કરીને મહિલાઓને સહકારી મંડળીમાંથી કે બેંકમાંથી લોન અપાવવાની લાલચ આપી તે માટે બેંક એકાઉન્ટ ખોલાવવુ પડશે તેમ જણાવતો હતો જે બાદ તેમને સાથે રાખી તેમના દસ્તાવેજના આધારે એકાઉન્ટ ખોલાવવા સાથે તેજ દસ્તાવેજોથી સીમકાર્ડ પણ કઢાવી લેતો હતો. એકાઉન્ટમાં બદલામાં ખાતેદારને તે ૧૦ હજાર રોકડા લોન પેટે આપતો હતો અને દર મહિને હજાર-હજાર કરીને પરત લેતો હતો.
જયદીપ વાડોલીયા મુખ્ય સુત્રધાર પોલીસે અરજણ ઉર્ફે અજય આસોદીયાને ઝડપી પાડવા બાદ તેની પુછપરછમાં તેણે કબુલ્યુ હતુ કે, રાજકોટ ખાતે યુકો બેંકના ૨૨ એકાઉન્ટ ખોલાવેલા જેમાં તેની પત્ની શિલ્પા તેમજ દક્ષા જોગયાણી સહિતના સાહેદોના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. સાયબર ફોઠના પૈસા તેના સાગરિતે જયદીપ વાડોલીયા તથા મોહિત ડેર સહિત સાથે મળી જમા કરાવી ટ્રાન્સફર કરાવી લીધા હતા. જયદીપ વાડોલીયા મુખ્ય સુત્રધાર હોવાનું પ્રાથમિક તબક્કે મનાઈ રહ્યુ છે.
