ભરૂચ
ભરૂચ શહેરની પટેલ સોસાયટી વિસ્તારમાં છેલ્લા છથી સાત મહિનાથી શાહુડીના પરિવારની અવરજવરને કારણે રહેવાસીઓમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. સોસાયટીના કમ્પાઉન્ડ તેમજ આસપાસના રસ્તાઓ પર શાહુડીઓ ખુલ્લેઆમ ફરતી જોવા મળતાં લોકોમાં અસુરક્ષાની લાગણી વ્યાપી ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અંદાજે પાંચ શાહુડીનો પરિવાર આ વિસ્તારમાં વસવાટ કરતો હતો.
આ પરિસ્થિતિની જાણ થતા પટેલ સોસાયટીના જીવદયા પ્રેમી મિતુલ પટેલ, કામધેનુ ગૌરક્ષા સમિતિના આશિષ શર્મા, નેચર પ્રોટેક્શન ક્લબના યોગેશ મિસ્ત્રી અને રમેશ દવે તેમજ કસક વિસ્તારના અન્ય જીવદયા પ્રેમીઓએ પરિસ્થિતિ પર સતત નજર રાખી હતી. કરજીત પટેલના કમ્પાઉન્ડમાં શાહુડી દેખાતા તાત્કાલિક રેસ્ક્યૂ ટીમ સ્થળ પર પહોંચી હતી, પરંતુ અંધારાના કારણે કામગીરીમાં અડચણ આવી હતી.
સ્થાનિકોમાં ભય વધતા, વન્યજીવ રેસ્ક્યૂ નિષ્ણાત આશિષ શર્મા અને નેચર પ્રોટેક્શન ટીમે ભરૂચ વન વિભાગના અધિકારી એમ.બી. ડાભીના માર્ગદર્શન હેઠળ શાહુડીને પકડવા માટે પાંજરા ગોઠવવાની કાર્યવાહી હાથ ધરી હતી. અંતે, ગત રાત્રે એક શાહુડી પાંજરામાં ઝડપાઈ ગઈ હતી.
વન વિભાગ દ્વારા પકડાયેલી શાહુડીને હવે અનુકૂળ અને કુદરતી વાતાવરણમાં સુરક્ષિત રીતે મુક્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સમગ્ર રેસ્ક્યૂ કામગીરી દરમિયાન પટેલ સોસાયટીના આગેવાનો અને સ્થાનિક રહેવાસીઓએ જીવદયા ટીમ તથા વન વિભાગને પૂરતો સહકાર આપ્યો હતો, જેના પરિણામે આ કામગીરી સફળ બની શકી.
