Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાગરા ખાતે આમ આદમી પાર્ટીની “પરિવર્તન સભામાં ચૈતર વસાવાનો ભાજપ પર આકરા પ્રહાર

Share

80 દિવસની જેલયાત્રા છતાં ઝુક્યો નહીં, ખોટા કેસ, જેલ અને યાતનાઓ વચ્ચે લડત ચાલુ રહેશે : ચૈતર વસાવા

ભરૂચ

Advertisement

આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચના વાગરા ખાતે ભવ્ય “પરિવર્તન સભા” નું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં આમ આદમી પાર્ટીના લોકપ્રિય અને જનતાના વિશ્વાસપાત્ર ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે આમ આદમી પાર્ટી ભરૂચ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજી અને ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિત કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

જંગી જનમેદનની સંબોધન કરતાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે અમે ગુજરાતની જનતા માટે અવાજ ઉઠાવીએ છીએ. આદિવાસી હોય, દલિત હોય, ખેડૂત હોય, મહિલા હોય, કર્મચારી હોય, શ્રમિક હોય કે એક સામાન્ય નાગરિક દરેક માટે અમે અવાજ બનીને ઊભા રહીએ છીએ અને બીજી તરફ ભાજપના નેતાઓને જનતા માટે નહીં પરંતુ ધમકાવવા, ડરાવવા, કોન્ટ્રાક્ટ માટે લડવા, માટી અને ખનિજના ગેરકાયદે ખનન કરવા, ગેરકાયદે ધંધા ચલાવવા અને ભ્રષ્ટાચાર માટે ચર્ચામાં રહેતા જોવા મળશે. જનતા હવે બધું જોઈ રહી છે, સમજી રહી છે. અમે કોઈ વ્યક્તિ કે પદ માટે નહીં, પરંતુ સત્ય, ન્યાય અને સામાન્ય જનતાના અધિકાર માટે લડી રહ્યા છીએ. આ લડત ભરૂચની છે, ગુજરાતની છે અને આવનારા સમયની છે અને બીજી બાજુ આ લોકો મોટી મોટી વાતો કરે છે, ખોટું બોલે છે, જુઠ્ઠાણાં ફેલાવે છે અને જનતાના પૈસામાં ભ્રષ્ટાચાર કરીને કરોડપતિ બનીને બેઠાં છે. આ બધું જોઈને જ અમે વિચાર્યું કે હવે જનતાના અવાજ માટે રાજનીતિમાં આવવું જ પડશે. એટલે જ અમે બધા યુવાનો રાજનીતિમાં આવ્યા છીએ.

આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અમારી સાથે ‘જેલ–જેલ’ની રમત રમે છે. ભાજપ બહુ મોટી પાર્ટી છે. ભાજપ પાસે સાડા સાતસો જેટલા ફાઇવ સ્ટાર કમલમ છે. કાગળ પર કાયદેસર રીતે જ દસ હજાર કરોડથી વધારેનું બેલેન્સ છે. આખી પાર્ટી ઈસ્ટ ઈન્ડિયા કંપનીની જેમ ચલાવવામાં આવે છે. એટલે ભાજપને એકલા ચૈતર વસાવાથી કે એકલા પિયૂષભાઈ પટેલથી કે એકલા યાકૂબભાઈનો ડર નથી. પરંતુ ભાજપને ડર છે એ વાતનો કે અમે તમને જાગૃત કરીએ છીએ. અમે તમને એક કરીએ છીએ. અમે તમને તમારા અધિકારો માટે લડતા શીખવીએ છીએ. અમે તમને સંવિધાન બચાવવાનું શીખવીએ છીએ.આ મંચ પરથી ભાજપના નેતાઓને પણ કહેવા માંગું છું કે તમને લાગે છે કે ત્રણ-ત્રણ, ચાર-ચાર મહિને અમને જેલમાં નાખીને તમે અમને રોકી લેશો, તો તમે તૈયાર રહેજો. કારણ કે અમે વ્યાજ સાથે તમારો હિસાબ કરવાના છીએ. તમને જેટલું અમારા કાર્યકરોને હેરાન કરવાનું મન થાય એટલું કરો, પરંતુ યાદ રાખજો આ હેરાનગતિનો હિસાબ એક દિવસ જરૂર લેવામાં આવશે.

જેલની વ્યથા વર્ણવતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, હું જેલમાં હતો ત્યારે અમારા સાથીઓ પોલીસને વિનંતી કરતા રહ્યા કે અમને માત્ર પાંચ મિનિટ મળવા દો, એક વાર હાલત કેવી છે તે જોવા દો, વાત કરવા દો. પરંતુ ભાજપના નેતાઓના ઈશારે રાતે ડોઢ બે વાગ્યા સુધી મારી સાથે કોઈને મળવા દેવામાં આવ્યું નહીં. હું આખી રાત ભૂખ્યો અને તરસ્યો જેલમાં રહ્યો. બીજા દિવસે મને મામલતદાર સમક્ષ અને નીચલી કોર્ટમાં રજૂ કરવાનું હતું, પરંતુ મને ડેડિયા પાડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો નહીં. મને રાજપીપળા જેલમાં રાખવાની જગ્યાએ વડોદરાની સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો, જે સયાજીરાવ ગાયકવાડે બનાવેલી, અંગ્રેજો પહેલાંની અત્યંત જૂની જેલ છે. ત્યાં પણ મને એક દિવસ નહીં, એક મહિનો નહીં, પરંતુ 80 દિવસથી પણ વધારે સમય સુધી રાખવામાં આવ્યો. મને ડરાવવામાં આવ્યો, ધમકાવવામાં આવ્યો અને માનસિક–શારીરિક વેદના આપવામાં આવી. આજે પણ તમે જેલ વિભાગ પાસેથી માહિતી માગશો તો ખબર પડશે કે મને મારા પરિવારજનોને મળવા દેવામાં આવ્યા નહીં, મારા વકીલોને મળવા દેવામાં આવ્યા નહીં. જે કોટડીમાં મને રાખવામાં આવ્યો હતો, તેની આજુબાજુમાંથી ચાર જેટલા બ્લેક કોબ્રા પકડવામાં આવ્યા હતા અને બહાર પણ પાંચ જેટલા કોબ્રા મળ્યા હતા. એવી અંધારી કોટડીમાં મને એકલો રાખવામાં આવ્યો. જેલનું સામાન્ય ભોજન આપવામાં આવતું અને જમીન પર પથારી પર ઊંઘવા મજબૂર કરવામાં આવ્યો. આ બધાની વચ્ચે પણ મેં એક જ સંકલ્પ લીધો હતો, ચૈતર વસાવા છેલ્લાં શ્વાસ સુધી ગરીબો, વંચિતો અને શોષિતો માટે લડતો રહેશે. આ તાનાશાહી સામે ચૈતર વસાવા ક્યારેય ઝુકશે નહીં.

ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે જામીન મળ્યા પછી પણ શરતો એવી લગાવવામાં આવી કે એક નાની શરતનો ભંગ થાય તો મને સીધો ફરી વડોદરા જેલમાં નાખી દેવામાં આવે. જે જનતાએ મને ધારાસભ્ય બનાવ્યો તે ડેડિયાપાડામાં મારું કાર્યાલય છે, ત્યાં મારું ઘર છે, મારો પરિવાર છે. છતાં આજે હું ત્યાં જઈ શકતો નથી. જે જનતાએ મને મત આપીને તેમની અવાજ બનવાની જવાબદારી સોંપી છે, તેમની વચ્ચે જઈ શકતો નથી. રાત- દિવસ હું આ જ વિચાર કરું છું કે મને જનતાની વચ્ચે જવા દેવામાં નથી આવતો, જનતાની વાત સાંભળવા દેવામાં નથી આવતું. પરંતુ આ બધાની વચ્ચે પણ મારી લડત અટકવાની નથી. આવનારા દિવસોમાં આ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી કઈ રીતે બહાર કરવી એ માટે હું સતત લડતો રહીશ, લડતો રહીશ અને લડતો રહીશ. તમે મને ડેડિયાપાડમાંથી કાઢી નાંખશો, નર્મદામાંથી કાઢી મૂકશો પરંતુ ચૈતર વસાવા લોકોના દિલોમાં વસે છે. લોકોના દિલોમાંથી અમને ક્યારેય કાઢી શકવાના નથી.


Share

Related posts

ટીમ ઇન્ડિયા માટે ભરૂચ એક્સપ્રેસ તૈયાર થયો, ભરૂચના વતની ફાસ્ટ બોલર લુકમાન મેરીવાલાનું સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં શ્રેષ્ઠ પ્રદર્શન

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે રેલવે ટ્રેનની અડફેટે ૩ લોકોના મોત.એકજ રાત્રીમાં રેલવે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થી ચકચાર…

ProudOfGujarat

ભરૂચ કૃષિ મહાવિદ્યાલયની વિદ્યાર્થીની એ આંતર કોલેજ ચેસ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!