ભરૂચના સ્પા સંચાલકની ગળે ફાંસો આપી નિર્મમ હત્યા કર્યા બાદ બન્ને હાથ-પગ બાંધી લાશને મિણીયા થેલામાં ભરી રહાડ-વચ્છનાદ વચ્ચેના નાળા નીચે ફેંકી દેવાયેલો મૃતદેહ મળી આવવાની ઘટનામાં પોલીસે ગણતરીના સમયમાં જ હત્યાનો આખો મામલો હલ કરી નાંખ્યો છે. મૃતકના પાર્ટનર અને મેનેજરે જ રૂપિયાની લેતીદેતીમાં તેની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલી યોનિનગર સોસાયટીમાં રહેતાં અને સ્પાના વ્યવસાય સાથે સંકળાયેલાં કૃણાલ પટેલની ગળેફાંસો આપી હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ વાગરા તાલુકાના રહાડથી વચ્છનાદ જવાના રોડ પર આવેલાં નાળા નીચેથી મળી આવી હતી. મામલામાં પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે વાગરા વોરા સમની ગામના મુન્તજીર મુબારક દાઉદ પટેલ શંકાના દાયરામાં હોઈ તેની સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. દરમિયાનમાં વાગરા પોલીસ સાથે એલસીબીની ટીમે પણ તપાસમાં જોડાઈ હત્યારાઓના પગેરું મેળવવાની કવાયત હાથ ધરી હતી.અરસામાં મુન્તજીર તેની કાર લઈને વિયાલત તરફ જઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળતાં ટીમે તેને દબોચી લીધો હતો.
પોલીસની પ્રાથમિક પુછપછરમાં તે પડી ભાંગ્યો હતો. તેણે ચોકાવનારી કબુલાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, તે પહેલાં વિદેશમાં નોકરી કરતો હતો. વર્ષ ૨૦૧૯માં તે પરત આવતાં કૃણાલ પટેલના સંપર્કમાં આવ્યો હોત. જે બાદ તેમની મૈત્રી થતાં તેમણે ભાગીદારીમાં પાંચબત્તી પાસે સ્પાનો ધંધો શરૂ કર્યો હતો. જોકે, તેમાં નુકસાન થતાં મહિનામાં જ તેમણે ધંધો બંધ કરવાની નોબત આવી હતી.બન્ને ધંધામાં ખોટ આવી હતી. જોકે, તે બાદ પણ તેમની વચ્ચે નાણાંકીય લેવડદેવડ રહેતી હતી. તેમની પાસે આવકનો બીજો કોઈ સ્ત્રોત ન હોવાને કારણે તેમણે આઠેક મહિના પહેલાં ઝાડેશ્વર રોડ પર શ્વાસ ડી પ્રોફેશ્નલ સ્પા શરૂ કર્યું હતું. જેમાં તેમણે ગીર સોમનાથના પ્રભાસ પાટણ વિસ્તારમાં રહેતા મહંમદ સોયેબ ઈબ્રાહિમનુર ભાદરકાને મેનેજર તરીકે રાખ્યો હતો. જોકે, આ ધંધામાં પણ તેમને નુકસાન થયાંનું ફણાલ જણાવતો હતો. કૃણાલ પાસેથી મુન્તજીરને સાડા નવ લાખ રુપિયા લેવાના થતાં હતાં. બીજી તરફ કુણાલે મેનેજર મહમંદ સોયેબને પણ ચારેક મહિનાથી અંદાજે એક લાખ જેટલો પગાર ચુકવ્યો ન હોઈ તે તેના વતને જતો રહ્યો હતો. જે બાદ મહંમદ સોયેબે મુન્તજીરને ફોન કરી કૃણાલ આપણા રૂપિયા પરત નહીં આપી શકે એટલે તેનુ મર્ડર કરી દઈએ તેમ જણાવતાં તેઓએ પ્લાન ઘડી તેને કારમાં બેસાડી લઈ જઈ હત્યાને અંજામ આપ્યો હતો.
