। ભરૂચ ।
ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં રખડતાં પશુઓનો ત્રાસ વધી ગયો છે. રોડ પર પશુઓ આવી જવાને કારણે અકસ્માતો સર્જાવાની ઘટના ભૂતકાળમાં બની છે. જેને ધ્યાનમાં રાખી નગરપાલિકા દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરી છે. પહેલી રાત્રે જ ટીમોએ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી કુલ ૧૦ પશુઓને ઝડપી પાડયાં હતાં. જોકે, નાગરિકો દ્વારા સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં ચોમાસાની શરૂઆતની સાથે જ શહેરમાં રખડતાં પશુઓનો ત્રાસ અતિષય વધી ગયો છે. સામાન્ય દિવસોમાં શહેરમાં રખડતાં પશુઓ આસપાસના વિસ્તારમાં જતાં રહેવાને કારણે થોડી રાહત હોય છે. જોકે, ચોમાસામાં રખડતાં પશુઓને બેસવા માટે કોરી જગ્યા નહીં મળતાં તેઓ રોડ પર આવી અડિંગો જમાવીને બેસી જતાં હોય છે. આખા રસ્તા પર પશુઓ બેસવાને કારણે ટ્રાફિકની ભારે સમસ્યા ઊભી થાય છે. બીજી તરફ રાત્રીના સમયે રખડતાં પશુઓ બેફામ આવતાં જતાં હોવાને કારણે વાહન ચાલકોને અકસ્માત થવાની શક્યતાઓ રહેલી હોય છે. તાજેતરમાં જ રાત્રીના સમયે એક ગદંભને કારણે મોપેડ ચાલક યુવાનનું મોત થયું હતું.
દરમિયાનમાં ભરૂચ નગરપાલિકાએ પશુઓને પકડવા માટેની ખાસ ઝુંબેશ હાથ ધરી છે.જેના ભાગરૂપે ગઈકાલે રાત્રીના સમયગાળા દરમિયાનમાં શહેરના મક્તમપુર પેટ્રોલ પંપની સામે, શક્તિનાથ સર્કલ, લિંકરોડ તેમજ સી ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે સહિતના વિસ્તારમાં પાલિકાની અલગ અલગ ટીમોએ કામગીરી કરી ૧૦થી વધુ પશુઓને પકડી પાડયાં હતાં. ઝડપાયેલાં તમામ પશુઓને પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યાં હતાં. પશુમાલિકોને દંડ કરવાની કવાયત પણ પાલિકાએ હાથ ધરી છે. ત્યારે હજી આગામી દિવસોમાં પણ પાલિકા દ્વારા પશુઓને પકડવા માટેની ઝુંબેશ ચાલું રખાશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.
