Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં આંકડાના જુગારના ગોરખધંધા પર પોલીસનો દરોડો: બે સરદારજી સહિત ત્રણની ધરપકડ, ₹48 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

Share

 

ભરૂચ:

Advertisement

શહેરમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલા આંકડાના જુગારના ધંધા સામે ભરૂચ એ ડિવિઝન પોલીસને મહત્વની સફળતા મળી છે. જૂની કોર્ટ નજીક લાલબજાર વિસ્તારમાં ચાલતા આંક-ફરકના જુગારના ગોરખધંધા પર પોલીસે દરોડો પાડી બે સરદારજી સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી રોકડ રકમ, મોબાઇલ ફોન સહિત કુલ ₹48 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ શહેર વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે લાલબજાર સ્થિત જૂની કોર્ટ પાસે કેટલાક શખ્સો ગેરકાયદેસર રીતે આંક-ફરકના જુગારનો વ્યવસાય ચલાવી રહ્યા છે અને લોકો પાસેથી જુગારના આંકડા સ્વીકારી રહ્યા છે.

બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી વોચ ગોઠવી હતી. દરમિયાન બે શંકાસ્પદ વ્યક્તિઓ જુગારની પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાનું જણાતા પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. તેમની પૂછપરછ દરમિયાન મોબાઇલ ફોનની તપાસ કરતાં એક નંબર પર વોટ્સએપ મારફતે જુગાર સંબંધિત ચેટિંગ મળી આવી હતી. આ ચેટમાં “લાલાભાઈ” નામથી સેવ કરાયેલા વ્યક્તિ સાથે સતત સંપર્ક હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે બંને આરોપીઓની પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે આ લાલાભાઈ નામનો વ્યક્તિ સોનેરી મહેલ સર્કલ નજીક ચ્હાની લારી ચલાવે છે. મળેલી માહિતીના આધારે પોલીસે બંને આરોપીઓને સાથે રાખી સોનેરી મહેલ વિસ્તારમાં પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્યાંથી લાલાભાઈ તરીકે ઓળખાતા શખ્સને શોધી કાઢી તેની પણ ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ તપાસ દરમિયાન આરોપીઓના નામ નારસીંગ હરીસીંગ સિકલીગર, સુંદરસીંગ જોગીન્દરસીંગ સિકલીગર અને અબ્દુલ મજીદ ઉર્ફે લાલો અબ્દુલ હમીદ શેખ હોવાનું જાણવા મળ્યું હતું.

પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ શહેરના વિવિધ વિસ્તારોમાંથી લોકો પાસેથી જુગારના આંકડા એકત્રિત કરતા હતા અને ત્યારબાદ ભાગાકોટ વિસ્તારમાં રહેતા વિજય, લાલબજારના મયુર તેમજ ફુરજા વિસ્તારના શબ્બીર ઉર્ફે સબ્બો મહેમુદ મલેકને આંકડાનો વેપાર (વલણ) પહોંચાડતા હતા. આ સમગ્ર નેટવર્ક મારફતે ગેરકાયદેસર આંકડાનો જુગાર રમાડવામાં આવતો હોવાનું સામે આવ્યું છે.

પોલીસે દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી રોકડ રકમ, જુગારના હિસાબ-કિતાબ સંબંધિત વિગતો તથા ત્રણ મોબાઇલ ફોન સહિત કુલ ₹48 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ત્રણેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ હવે આ જુગારના નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય શખ્સો સુધી પહોંચવા માટે મોબાઇલ ડેટા, વોટ્સએપ ચેટ અને કોલ ડિટેઇલ્સના આધારે તપાસ આગળ ધપાવી રહી છે. શહેરમાં ચાલી રહેલા ગેરકાયદેસર જુગારના ધંધા સામે આગામી દિવસોમાં વધુ કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


Share

Related posts

ભરૂચ જિલ્લામા ટોકિસકોલોની સેન્ટર શરૂ થાય એ જરૂરી….

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે કુલ ૨૫૫ હેકટર વિસ્તારમાં અંદાજીત ૪,૨૨,૭૫૦ વૃક્ષો વાવીને તેનું જતન કરાશે

ProudOfGujarat

પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ એક મહિના માટે બંધ. જાણો કેમ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!