ભરૂચ.
ભરૂચ શહેર જિલ્લામાં જૂન મહિનો પૂરો થઈ ગયો છે ત્યારે હજી સારા વરસાદના કોઈ એંધાણ દેખાતાં નથી. હવામાન વિભાગ દ્વારા થોડા થોડા દિવસે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવે છે જેમાં ભરૂચ જિલ્લામાં પણ વરસાદની વકી કરાય છે. જોકે, ભરૂચમાં વરસાદ જાણ હાય તાળી આપી જતો રહે છે. જેના કારણે લોકોના માથે ચિંતાની લકીર ઉપસી આવી છે. ભરૂચ જિલ્લાના છેલ્લા ૧૦0 વર્ષના વરસાદના સરેરાશ આંકડા જોઈએ તો આ વર્ષે સૌથી ઓછો માત્ર ૧.૫૩ ટકા જ વરસાદ નોંધાયો છે તે પણ ગત ૨ જૂનના રોજ વરસાદ વરસ્યો હતો. તેની જ નોંધ થયેલી છે.
ભરૂચ જિલ્લામાં જૂન મહિનાના ૧૫થી ૨૨ તારીખની વચ્ચે સામાન્યત: ચોમાસાની શરુઆત થઈ જતી હોય છે. જોકે, આ વર્ષે ગ્લોબલ વોર્મિંગ તેમજ અલનેનો ઈફેકટના કારણે આખા ઋતુચક્ર પર અસર પડી છે. આ વર્ષે ચોમાસુ ખેંચાઈ જતાં ખેડૂતો સાથે સામાન્ય લોકોના જનજીવન પર જાણે અસર વર્તાઈ રહી છે. બફારા અને ઉકળાટ સહિત ગરમીથી અતિષય ત્રસ્ત થઈ ગયાં છે. આકાશમાંથી અમીવર્ષા થાય તે તરફ લોકોની મીટ મંડાઈ છે. ત્યારે હજી સારા વરસાદના કોઈ આસાર દેખાઈ રહ્યાં નથી. ત્યારે છેલ્લા ૧૦ વર્ષના જૂન મહિનામાં થયેલાં સરેરાશ વરસાદના આંકડા જોતાં અત્યાર સુધીનો સૌથી ઓછો માત્ર ૧.૫૩ ટકા વરસાદ નોંધાયો છે.
ભરૂચ જિલ્લાનો છેલ્લા ૧૦ વર્ષના આંકડા જોતાં દર ચાર વર્ષે વરસાદ ઓછો નોંધાઈ રહ્યો છે. વર્ષ ૨૦૧૮માં ૯.૮૦ ટકા વરસાદ થયો હતો. જેના ચાર વર્ષ બાદ ૨૦૨૨માં જિલ્લામાં સરેરાશ વરસાદ ઘટીને ૭.૩૯ ટકા થયો હતો. જેના ચાર વર્ષ બાદ આ વર્ષના આંકડા જોઈએ તો ૧.૫૩ ટકા વરસાદ નોંધાયો હતો. જોકે, નોંધનિય છે કે, ગત વર્ષે ૩૮.૪૭ ટકા વરસાદ નોંધાયો હતો.
બોક્ષ :
વરસાદ વિના ખેડૂતોને કેવા પ્રકારની ખેતી કરવી તે અંગે અજમંજસ ભરૂચ જિલ્લામાં હજી ખેતી લાયક વરસાદ થયો નથી. જૂનના પાછળના ૧૫ દિવસમાં સામાન્યતઃ ૫થી ₹ ઈંચ જેટલો વરસાદ વરસી ગયાં બાદ જૂલાઈના પહેલાં સપ્તાહમાં વરાપ નિકળતાં ખેડૂતો નિંદામણ કરી વાવણી કરતાં હોય છે. જોકે, ચોમાસાના શરૂઆતના જ ૧૫ દિવસ વરસાદ વિનાના રહેવાથી હવે ખેડૂતોના માથે લકીર ઉપસી છે. હજી ખેતી લાયક વરસાદ વરસ્યા બાદ ખેડૂતો રોપણી કરી શકશે ત્યારે ખેડતો હવે લાંબાગાળાના પાકની વાવણી કરે કે ટૂંકાગાળાના પાક તરફ વળશે તે આગામી દિવસોમાં થનાર વરસાદ પર નિર્ભર રહેશે.
ભરૂચ જિલ્લામાં છુટાછવાયા વરસાદી ઝાપટાંથી ચોમાસુ બેસવાની આશા ભરૂચ ભરૂચ શહેર જિલ્લામાં એક તરફ લોકો આકાશમાંથી કાચુ સોનું વરસે તેની ચાતકની નઝરે વાટ જોઈ રહ્યાં છે.ત્યારે છેલ્લાં કેટલાંક સમયથી હવામાન વિભાગની આગાહીઓ પણ ખોટી ઠરી રહી છે. દરમિયાનમાં બે દિવસથી વાતાવરણમાં પલટો અનુભવાઈ રહ્યો છે. જિલ્લામાં છુટોછવાયાં વરસાદના ઝાપટાં પડવાના અહેવાલ છે. ભરૂચ શહેરમાં પણ રાત્રીના સમયે ઝરમર વરસાદ વરસ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. મંગળવારે પણ સવારના સમયે વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે વાતાવરણ થોડું રાહત આપનારું હતું. જોકે, બપોરના સમયે તડકો નિકળતાં બફારાથી લોકો પરેશાન થઈ ગયાં હતાં. જોકે, જિલ્લામાં કેટલાંક વિસ્તારમાં છુટાછવાયાં વરસાદી ઝાપટાં પડ્યાં હોવાની અહેવાલ સાંપડતાં હવે નિયમિત ચોમાસુ બેસે તેવી આશા લોકોએ બાંધી છે.
