ભરૂચ :
ભરૂચ જિલ્લામાં ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલી એક મહિલાને 181 મહિલા અભયમ હેલ્પલાઇનની ટીમે સમયસર મદદ પહોંચાડી માત્ર વધુ આર્થિક નુકસાનથી જ બચાવી નહીં, પરંતુ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવા યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડ્યું.
મહિલાના ભાઈએ 181 મહિલા અભયમ હેલ્પલાઇન પર સંપર્ક કરી જણાવ્યું હતું કે તેમની બહેન છેલ્લા કેટલાક દિવસોથી વારંવાર પૈસાની માંગણી કરી રહી છે અને પૈસા ક્યાં ખર્ચે છે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપતી નથી. પૈસા આપવાનો ઇનકાર કરતાં મહિલા આત્મહત્યાની ધમકી આપતી હોવાથી પરિવારને ઓનલાઈન છેતરપિંડીની આશંકા જાગી હતી. માહિતી મળતાં જ 181 અભયમ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કરી વિશ્વાસમાં લીધા બાદ સમગ્ર હકીકત જાણી હતી. મહિલાએ જણાવ્યું કે બાળકને શાળાએ મૂકવા જતી વખતે તેમની ઓળખ એક અજાણી મહિલા સાથે થઈ હતી. તે મહિલાએ પોતાના ભાઈને લંડનથી ડોલર અને સોનું લાવવાના કેસમાં મુંબઈ એરપોર્ટ પર પોલીસ દ્વારા પકડી લેવાયો હોવાનું કહી તેને છોડાવવા માટે મદદ માગી હતી. બદલામાં પાંચ લાખ રૂપિયા આપવાની લાલચ આપતા મહિલા તેની વાતોમાં આવી ગઈ હતી.
ત્યારબાદ મહિલાને એક વ્યક્તિનો સંપર્ક નંબર આપવામાં આવ્યો, જેણે પોતાને પોલીસ અધિકારી તરીકે ઓળખાવી માત્ર વોટ્સએપ કોલ દ્વારા જ વાતચીત કરી હતી. વિવિધ બહાનાં બતાવી મહિલા પાસેથી તબક્કાવાર કુલ રૂ.60 હજાર પડાવવામાં આવ્યા હતા. બાદમાં વધુ રૂ.30 હજારની માંગણી થતાં મહિલાએ પોતાના ભાઈ પાસે મદદ માંગી હતી.
181 અભયમ ટીમે સમગ્ર ઘટનાની તપાસ કરતાં કથિત પોલીસ અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ટીમે એરપોર્ટ, કેસ અને અન્ય વિગતો અંગે પૂછપરછ કરતાં જ સામેની વ્યક્તિએ ફોન કાપી દીધો, મહિલાનો સંપર્ક બ્લોક કરી દીધો અને તમામ ચેટ પણ ડિલીટ કરી નાખી હતી. જેના પરથી મહિલા ઓનલાઈન સાયબર ઠગાઈનો ભોગ બની હોવાનું સ્પષ્ટ થયું હતું.
ત્યારબાદ અભયમ ટીમે મહિલા અને તેમના પરિવારને સાયબર હેલ્પલાઇનમાં ફરિયાદ નોંધાવવા માર્ગદર્શન આપ્યું તેમજ સાયબર ક્રાઈમ અધિકારીઓ સાથે સંપર્ક સાધી જરૂરી વિગતો આપી આગળની કાયદેસરની કાર્યવાહી માટે સહયોગ કર્યો.
કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ સ્વીકાર્યું કે વધુ પૈસા મળવાની લાલચ અને ઓછી માહિતીના કારણે તેમણે અજાણ્યા લોકો પર વિશ્વાસ કર્યો હતો. પૈસાની વ્યવસ્થા કરવા માટે પોતાના દાગીના પણ ગીરવે મૂક્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
181 મહિલા અભયમ ટીમે મહિલાને ભવિષ્યમાં અજાણ્યા લોકોની વાતોમાં ન આવવા, કોઈપણ આર્થિક વ્યવહાર કરતા પહેલાં પરિવાર સાથે ચર્ચા કરવા તેમજ સાયબર ઠગાઈથી સાવચેત રહેવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. મહિલાએ અને તેમના પરિવારજનોએ સમયસર મળેલી મદદ, કાઉન્સેલિંગ અને યોગ્ય માર્ગદર્શન બદલ 181 મહિલા અભયમ હેલ્પલાઇન ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
