ભરૂચ: આગામી 16 જુલાઈએ અષાઢી બીજના પાવન અવસરે ભરૂચ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓ નીકળવાની છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ભરૂચ પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે.
ડીવાયએસપી સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર ડિવિઝન પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગમાર્ચ યોજી અસામાજિક તત્વોને કાયદાની તાકાતનો કડક સંદેશ આપવામાં આવ્યો હતો.
ફ્લેગમાર્ચ કુરજા વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરેથી શરૂ થઈ મોટી બજાર, સોની ફળિયું, લાલ બજાર, લલ્લુભાઈ ચકલા અને હાથીખાના બજાર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થઈ એ ડિવિઝન પોલીસ મથકે પૂર્ણ થઈ હતી. મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને વાહનોની હાજરીથી શહેરમાં પોલીસનો મજબૂત બંદોબસ્ત જોવા મળ્યો હતો.
ફ્લેગમાર્ચમાં એ ડિવિઝન, બી ડિવિઝન અને સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
રથયાત્રાના રૂટ પર સતત પેટ્રોલિંગ, ચાંપતી નજર અને જરૂરી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ તંત્રએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે શાંતિ ડહોળવાનો કે કાયદો હાથમાં લેવાનો કોઈપણ પ્રયાસ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
