નોટિસ નહીં, સુનાવણી નહીં, વળતરની માહિતી પણ નહીં છતાં 7/12માં વપરાશી હકની નોંધ? વેગણી, કલાદરા અને કોલિયાદના અસરગ્રસ્ત ખેડૂતોએ ઉઠાવ્યા ગંભીર સવાલ
ભરૂચ:
વાગરા તાલુકાના વેગણી, કલાદરા અને કોલિયાદ ગામના ખેડૂતોની જમીનોમાં પાઇપલાઇન માટે ‘વપરાશી હક’ (Right of User)ની નોંધ રેવન્યુ રેકોર્ડમાં દાખલ કરવામાં આવી હોવાના મુદ્દે અસરગ્રસ્ત ખેડૂતોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી સમગ્ર પ્રક્રિયાની કાયદેસર તપાસ, વ્યક્તિગત સુનાવણી અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ખેડૂતોની રજૂઆત મુજબ રાજ્ય સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના જાહેરનામાના આધારે તેમની જમીનોના 7/12ના બીજા હક્કમાં ‘Right of User’ની નોંધ દાખલ કરવામાં આવી છે. જોકે ખેડૂતોનો દાવો છે કે તેમને આ પ્રક્રિયા અંગે કોઈ વ્યક્તિગત નોટિસ આપવામાં આવી નથી, જાહેર સુનાવણીમાં હાજર રહેવાની તક મળી નથી, કોઈ લેખિત સંમતિ લેવામાં આવી નથી તેમજ વળતર અંગે પણ કોઈ માહિતી કે ચર્ચા કરવામાં આવી નથી.
ખેડૂતોએ ગંભીર સવાલ ઉઠાવ્યો છે કે આજદિન સુધી તેમની જમીનમાં કોઈ પાઇપલાઇન બિછાવવામાં આવી નથી અને જમીનનો કબજો પણ ખેડૂતો પાસે જ છે, તેમ છતાં રેવન્યુ રેકોર્ડમાં વપરાશી હકની નોંધ કેવી રીતે દાખલ કરવામાં આવી?
રજૂઆતમાં ખેડૂતો દ્વારા બંધારણની કલમ 300A અને 14, કુદરતી ન્યાયના સિદ્ધાંતો, Petroleum and Minerals Pipelines (Acquisition of Right of User in Land) Act, 1962 તેમજ Gujarat Land Revenue Code, 1879ની જોગવાઈઓનો ઉલ્લેખ કરી સમગ્ર કાર્યવાહી કાયદેસરની તપાસને પાત્ર હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
અસરગ્રસ્ત ખેડૂતોએ કલમ 3(1) હેઠળના પ્રાથમિક જાહેરનામા અને કલમ 6(1) હેઠળના આખરી જાહેરનામાની પ્રમાણિત નકલ, જમીન માલિકોને અપાયેલી નોટિસો, વાંધા અરજીઓ અને સુનાવણીનો રેકોર્ડ, વળતર નક્કી કરતો હુકમ અને ચુકવણીના પુરાવા સહિત પાઇપલાઇનનો રૂટ મેપ અને એલાઈનમેન્ટ પ્લાન જાહેર કરવાની માંગ કરી છે.
ખેડૂતોએ જિલ્લા કલેક્ટર સમક્ષ વ્યક્તિગત સુનાવણીની તક આપવાની સાથે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિવાદિત નોંધના આધારે કોઈપણ આગળની કાર્યવાહી સ્થગિત રાખવાની માંગ કરી છે. સાથે જ જો તપાસમાં કાયદેસરની પ્રક્રિયાનું પાલન ન થયું હોવાનું બહાર આવે તો સંબંધિત નોંધો રદ કરી જવાબદાર પ્રક્રિયા સામે જરૂરી સુધારાત્મક કાર્યવાહી કરવા પણ માંગ કરવામાં આવી છે.
