ભરૂચ :
ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) સંલગ્ન પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર – જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર (DSC), ભરૂચ દ્વારા વર્ષ 2026-27 દરમિયાન યોજાનારી વિવિધ વિજ્ઞાનલક્ષી પ્રવૃત્તિઓ તેમજ રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ (National Children’s Science Congress – NCSC) અંગે જિલ્લાના વિજ્ઞાન શિક્ષકો માટે માર્ગદર્શન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર, ભરૂચ વર્ષ 2009થી જિલ્લામાં વિજ્ઞાનના લોકપ્રસાર અને વૈજ્ઞાનિક અભિગમના વિકાસ માટે સતત કાર્યરત છે. કેન્દ્ર દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય નાગરિકો માટે વિજ્ઞાન વ્યાખ્યાન, વૈજ્ઞાનિક પ્રદર્શનો, પરિસંવાદો, અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમો, સાયન્સ-મેથ્સ મોડેલ મેકિંગ વર્કશોપ, પ્રાકૃતિક શૈક્ષણિક એડવેન્ચર કેમ્પ તેમજ રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ (NCSC) સહિત અનેક વિજ્ઞાનલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
આગામી શૈક્ષણિક વર્ષ દરમિયાન યોજાનારી વિવિધ પ્રવૃત્તિઓની રૂપરેખા, કાર્યક્રમોની અમલીકરણ પ્રક્રિયા, વિદ્યાર્થીઓની ભાગીદારી વધારવા માટેની યોજના તેમજ રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ (NCSC) માટે પ્રોજેક્ટ તૈયાર કરવાની પદ્ધતિ, નોંધણી પ્રક્રિયા અને મૂલ્યાંકન અંગે બેઠકમાં વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે.
જિલ્લાની તમામ સરકારી, અનુદાનિત તેમજ ખાનગી શાળાઓના વિજ્ઞાન શિક્ષકોને આ બેઠકમાં ફરજિયાત ઉપસ્થિત રહી કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
માર્ગદર્શન બેઠક **18 જુલાઈ, 2026 (શનિવાર)**ના રોજ સવારે 10:00 કલાકે ઝાડેશ્વર સ્થિત તપોવન સંસ્કાર કેન્દ્ર, નીલકંઠેશ્વર મહાદેવ રોડ, નર્મદા પાર્ક સામે યોજાશે.
બેઠકમાં ભાગ લેનાર દરેક શિક્ષકે અગાઉથી પોતાનું નામ અને શાળાનું નામ નોંધાવવું ફરજિયાત રહેશે. નોંધણી માટે મો. નં. 97269 55477 અથવા ફોન નં. 7265025343 પર સંપર્ક કરવા જણાવાયું છે.
