ભરૂચ :
ભરૂચ શહેરના પાંચબત્તી નજીક હોર્ન વગાડવાની સામાન્ય બાબતને લઈને થયેલા વિવાદમાં એક રિક્ષાચાલક પર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. હુમલામાં રિક્ષાચાલકને ડાબા કાનના ભાગે ગંભીર ઈજા પહોંચતાં તેમને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ ફરિયાદ મુજબ, ભરૂચના પાંચબત્તી પાસે આવેલા મિલેનિયમ માર્કેટની પાછળ રહેતા બળવંત ડાહ્યાભાઈ ભીમડા બચતની રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ પોતાના 10 વર્ષીય પુત્ર રિયાંશ અને બહેન વર્ષા વિકાંત પટેલને શક્તિનાથ સ્થિત નારાયણ સ્કૂલમાં મૂકવા માટે રિક્ષા લઈને નીકળ્યા હતા.
દરમિયાન મિલેનિયમ માર્કેટ પાસે એક પિકઅપ ટેમ્પો ચાલક અચાનક રિવર્સ લેતા બળવંતભાઈએ તેને સાવચેત કરવા હોર્ન વગાડ્યો હતો. તે સમયે ત્યાં બાઈક સાથે ઉભેલા તોસીફ બશીર શેખે હોર્ન અંગે ઉશ્કેરાઈ જઈ “તું કેમ હોર્ન મારે છે?” કહી ઝઘડો શરૂ કર્યો હતો. બળવંતભાઈએ હોર્ન ટેમ્પો ચાલકને માર્યો હોવાનું જણાવવા છતાં મામલો ઉગ્ર બન્યો હતો.
ફરિયાદ અનુસાર, તોસીફ બશીર શેખે ઝપાઝપી દરમિયાન બાઈકની ચાવી વડે બળવંતભાઈના ડાબા કાનના ભાગે ફટકો મારતાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવ અંગે ભરૂચ એ-ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
