Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જય જગન્નાથના જયઘોષ સાથે ભરૂચ શહેરમાં ત્રણ સ્થળેથી ભવ્ય રથયાત્રા નીકળી :  ભોઈ સમાજની 250 વર્ષ જૂની પરંપરા યથાવત, ઈસ્કોન અને ઉડિયા સમાજની રથયાત્રામાં પણ ઉમટ્યો ભક્તિસાગર

Share

 

ભરૂચ:

Advertisement

અષાઢી બીજના પાવન પર્વે ભરૂચ શહેરમાં ભગવાન જગન્નાથજીની ત્રણ ભવ્ય રથયાત્રાઓ ભક્તિભાવ અને ઉત્સાહ વચ્ચે નીકળી હતી. શહેરના ફૂરજા બંદરેથી ભોઈ સમાજ દ્વારા છેલ્લા 250 વર્ષથી યોજાતી ઐતિહાસિક રથયાત્રા, શીતલ સર્કલથી ઈસ્કોન મંદિરની રથયાત્રા તેમજ આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી ઉડિયા સમાજ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણેય રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાતા સમગ્ર શહેર “જય જગન્નાથ”ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

ભરૂચમાં રાજ્યની સૌથી પ્રાચીન રથયાત્રા યોજાતી હોવાની લોકવાયકા પ્રચલિત છે. ફૂરજા બંદર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરમાં મહાઆરતી બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલદેવ અને બહેન સુભદ્રાને સુશોભિત ત્રણ રથોમાં બિરાજમાન કરાયા હતા. ભોઈ સમાજના આગેવાનો, સભ્યો, નગરજનો તેમજ જિલ્લાના મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહાઆરતી બાદ રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ડીજે અને ભજન મંડળીઓના ભક્તિમય સંગીત સાથે નીકળેલી રથયાત્રાનું સોનેરી મહેલ ખાતે આતશબાજી સાથે સમાપન થયું હતું.

શહેરના શીતલ સર્કલથી ઈસ્કોન મંદિર દ્વારા 12મી ભગવાન જગન્નાથ રથયાત્રા ભવ્ય રીતે યોજાઈ હતી. શણગારેલા રથમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળ્યા હતા. “હરે રામા, હરે કૃષ્ણા”ના ગુંજતા નાદ વચ્ચે રથયાત્રા શીતલ સર્કલથી કસક સર્કલ, મક્તમપુર રોડ, જ્યોતિનગર, તુલસીધામ થઈ ઝાડેશ્વર સ્થિત KGM સ્કૂલના મેદાન સુધી પહોંચી હતી.

આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરમાંથી શ્રી જગન્નાથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના આયોજન હેઠળ 21મી રથયાત્રાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને સુશોભિત રથમાં બિરાજમાન કરી ભક્તિમય માહોલ વચ્ચે નગરચર્યાએ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રથયાત્રા તેના નિર્ધારિત રૂટ પરથી પસાર થઈ હતી.

ત્રણેય રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રથયાત્રાના સમગ્ર રૂટ પર CCTV અને પોઈન્ટ વોચ ઉપરાંત બોડી-વોર્ન કેમેરાથી સજ્જ પોલીસ જવાનો તૈનાત રહ્યા હતા. સાદા વેશમાં પણ પોલીસ કર્મચારીઓ તહેનાત રહી સમગ્ર કાર્યક્રમને શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન કરાવ્યો હતો.


Share

Related posts

સુમિત સેઠીએ ગણેશ ચતુર્થી ગીત “જય દેવ 2.0” ની સફળતા પછી નૂરન સિસ્ટર્સનો આભાર માન્યો

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વર ટવીન્સ સિટીનું સ્વપ્ન આખરે થયું પૂર્ણ : આગામી તા.12 એ નર્મદા મૈયા બ્રિજને ખુલ્લો મૂકવા માટે કામગીરી પૂરજોરે શરૂ.

ProudOfGujarat

ગોધરા : ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા વડેલાવ ગામે નવીન પંચાયત ઘરનું ખાતમુહૂર્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!