Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ચાંદીપુરા વાયરસ સામે ભરૂચ જિલ્લા તંત્ર એલર્ટ, આરોગ્ય વિભાગ એક્શન મોડમાં  :  કલેક્ટર ડૉ. નવનાથ ગવહાણેએ KMCRI મેડિકલ કોલેજની મુલાકાત લઈ આઇસોલેશન વોર્ડ અને વેન્ટિલેટર સુવિધાની સમીક્ષા કરી

Share

 

ભરૂચ :

Advertisement

 

 

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગયા છે. જિલ્લામાં સંક્રમણ અટકાવવા માટે આગોતરા આયોજન, સઘન સર્વેલન્સ અને આરોગ્ય સેવાઓને વધુ સજ્જ બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.

જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવહાણેએ KMCRI મેડિકલ કોલેજની રૂબરૂ મુલાકાત લઈ ચાંદીપુરા વાયરસના સંભવિત દર્દીઓ માટે ઉભી કરાયેલી વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન ખાસ આઇસોલેશન વોર્ડ, કટોકટીની સ્થિતિમાં ઉપયોગી વેન્ટિલેટર સુવિધા તેમજ હોસ્પિટલની સમગ્ર આરોગ્ય સજ્જતાની ચકાસણી કરવામાં આવી હતી.

જિલ્લા આરોગ્ય અધિકારીએ કલેક્ટરને હોસ્પિટલમાં ઉભી કરાયેલી તૈયારીઓ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ચાંદીપુરા વાયરસથી અસરગ્રસ્ત બાળકોની સારવાર માટે બાળરોગ નિષ્ણાતો અને નર્સિંગ સ્ટાફને વિશેષ તાલીમ આપી તૈયાર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 10 બેડ સાથે અલગ આઇસોલેશન વોર્ડની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ચાંદીપુરા વાયરસની સ્થિતિની સમીક્ષા માટે જિલ્લા આરોગ્ય અધિકારીના અધ્યક્ષસ્થાને DHS પ્રોગ્રામ કમિટી, CHC, PIU તેમજ બાળરોગ નિષ્ણાતોની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રોની કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જિલ્લામાં આરોગ્ય વિભાગની 374 ટીમો દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ઘરે-ઘરે જઈ સઘન સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે. શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોની વહેલી તકે ઓળખ થઈ શકે તે માટે આરોગ્ય કર્મચારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. સાથે જ વાયરસના વાહક સેન્ડફ્લાયના ઉપદ્રવને રોકવા માટે જંતુનાશક દવાઓનો છંટકાવ અને માલથિયન પાવડર ડસ્ટિંગની કામગીરી પણ વેગવંતી બનાવવામાં આવી છે.

ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અસર કરતો હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. બાળકમાં અચાનક તાવ, ઉલ્ટી, માથાનો દુખાવો અથવા બેભાન થવા જેવા લક્ષણો જણાય તો સમય ગુમાવ્યા વિના નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જિલ્લા તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

કલેક્ટર ડૉ. નવનાથ ગવહાણેએ KMCRIની મુલાકાત દરમિયાન રક્તદાન પણ કર્યું હતું અને વધુમાં વધુ નાગરિકોને રક્તદાન જેવા માનવતાના કાર્યમાં જોડાવા અનુરોધ કર્યો હતો.

જિલ્લા વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ચાંદીપુરા વાયરસ સામે તમામ પ્રકારની આરોગ્યલક્ષી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. નાગરિકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ સજાગ રહી બાળકોના આરોગ્ય અંગે વિશેષ તકેદારી રાખવાની જરૂર છે.


Share

Related posts

सिंग इज किंग के 12 साल : प्रशंसक विपुल शाह-अक्षय कुमार को फिर से एकसाथ देखने के लिए हैं बेताब!

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં હાંસોટ તાલુકાનાં મલેકવાડનાં ચાર યુવાનો આલીયાબેટ નજીક નદીમાં ડૂબી જતાં 3 નાં મૃતદેહ મળી આવ્યા.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા પોલીસ તથા સહાયક પ્રદેશ વાહન વ્યવહાર કચેરીના સયુંકત ઉપક્રમે ૨૯મા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!